અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રૂા. એક કરોડના ફુલહાર કરશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના બજેટનો મોટો હિસ્સો પ્રચાર પ્રસાર, ઉત્સવ અને તહેવારો પાછળ ખર્ચ થઈ રહયો છે. શહેરના નાગરિકોને રોડ, પાણી અને ડ્રેનેજની સુવિધા મળે કે ના મળે પરંતુ ઉત્સવો અને મહોત્સવોની ઉજવણી કરી સતત કથિત વિકાસના પ્રચાર થઈ રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થાય છે આ ઉપરાંત જાહેરાત ખર્ચો, જાહેરાતો, ખાતમુહુર્ત, લોકાર્પણો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કોર્પો. દ્વારા વરસે દહાડે મહાનુભાવોની જન્મ/મરણ જયંતિ નિમિત્તે પુષ્પાંજલીના કાર્યક્રમો યોજવામાં આવે છે જેના માટે ચાલુ વર્ષે રૂા.૧ કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય મહાનુભાવો, કવિઓ, સ્વતંત્ર સેનાની વગેરેને જન્મ કે મરણ જયંતિ નિમિત્તે પુષ્પાંજલીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે માટે અત્યાર સુધી દર વર્ષે રૂા.ર૦ થી રપ લાખનો ખર્ચ કરવામાં આવતો હતો
પરંતુ ચાલુ વર્ષે આ પ્રકારના પુષ્પાંજલી કાર્યક્રમ માટે સલગ્ન વિભાગ દ્વારા રૂા.૧ કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે તેમજ અંતિમ મંજુરી માટે સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી. સામાન્ય રીતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન થાય તો પણ એક કાર્યક્રમ દીઠ ફુલહાર સહિત રૂા.પ૦ હજારથી વધુ ખર્ચ થાય નહીં તેમ છતાં રૂા.૧ કરોડનું ટેન્ડર શા માટે મંજુર કરવામાં આવ્યુ છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
ટેન્ડરમાં જે મુજબના ભાવ આપવામાં આવ્યા છે તેની ગણતરી કરવામાં આવે તો પણ વર્ષે દહાડે રૂા.૧ કરોડનો ખર્ચ થાય તેમ નથી. વર્ષ દરમિયાન કોર્પોરેશન દ્વારા લોકાર્પણ/ખાતમુહુર્તના કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવે છે તેમાં કાર્યક્રમ દીઠ ફુલહારનો ખર્ચ વધુમાં વધુ રૂા.૩ થી ૪ હજાર થાય તેમ છે
આ ઉપરાંત વર્ષ દરમિયાન લગભગ ૮ થી ૧૦ વખત દેશ વિદેશથી મહેમાનો આવે તે સમયે પણ પ્રસંગ દીઠ રૂા.પ હજારથી વધુ ફુલહારનો ખર્ચ થઈ શકે નહી તેમ માનવામાં આવે છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં દર વર્ષે ઉત્સવો/ તહેવારો માટે પણ કરોડો રૂપિયા ખર્ચ થાય છે જેમાં છેલ્લા બે વર્ષથી ધરખમ વધારો થયો છે.મ્યુનિ. કમિશ્નરના બજેટમાં ર૦ર૩ના બજેટમાં ઉત્સવો/તહેવારો માટે રૂા.૧પ.પ૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો હતો જે સુધારી રૂા.૪૦.૧૦ કરોડનો અંદાજ કરવામાં આવ્યો છે જયારે ર૦ર૩-ર૪માં રૂા.પ૦ કરોડ ઉત્સવો/ તહેવારો માટે ખર્ચ થશે તેવો અંદાજ રજુ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે યોજાતા પુષ્પાંજલી કાર્યક્રમ
(૧) સ્વામિ વિવેકાનંદ જયંતિ (ર) કવિશ્વર શ્રી દલપતરામ જન્મ જયંતિ (૩) શહીદ વીર હેમુ કાલાણી (૪) સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ (પ) સુરસિંહજી ગોહીલ (કલાપી) જન્મ જયંતિ (૬) ઈન્દુલાલ યાજ્ઞિક જન્મ જયંતિ (૭) સ્વાતંત્ર્યવીર વીર સાવરકર પુણ્યતિથિ (૮) વીર શહિદ ભગતસિંહ શહાદતદિન
(૯) છત્રપતિ શિવાજી પુણ્યતિથિ (જાણ સારૂ) (૧૦) બાબુ જગજીવનરામ જન્મ જયંતિ (૧૧) ડો. આંબેડકર જન્મ જયંતિ (૧ર) ગુજરાત સ્થાપના દિન (ઈન્દુલાલ યાજ્ઞિક) (૧૩) મહારાણા પ્રતાપ જન્મ જયંતિ (૧૪) વસંત રજબ શહાદત દિન (૧પ) લોકમાન્ય તિલક નિર્વાણ દિન (૧૬) નામી-નામી શહીદ દિન (કિનારીવાલા)
(૧૭) અટલ બિહારી વાજપેયી નિર્વાણ દિન (૧૮) કવિશ્રી વીર નર્મદની જન્મ જયંતિ (૧૯) ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ (ર૦) સ્વામિ વિવેકાનંદજી દિગ્વિજય દિન ઉજવણી (ર૧) પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ (રર) ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ (ર૩) સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ (ર૪) પંડિત જવાહરલાલ નહેરૂ જન્મ જયંતિ (રપ) ઝાંસીની રાણી જન્મ જયંતિ