અમદાવાદ મ્યુનિ. કમિશનરે બમ્પ બનાવવા ખાસ એસ.ઓ.પી. જાહેર કરી
અમદાવાદ શહેરમાં નાગરીકો દ્વારા, સંસ્થાઓ દ્વારા શાળાઓ કારા તથા અન્ય જુદા જુદા માધ્યમોથી શહેરમાં બમ્પ બનાવવા માટે રજુઆતો આવતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ આવેલી અરજી મંજૂરી માટે પોલીસ ટ્રાફિક વિભાગમાં મોકલી આપવામાં આવે છે.
જ્યાંથી મંજૂરી મળ્યા બાદ કોર્પોરેશન ઘ્વારા બમ્પ બનાવવામાં આવે છે. પરંતુ અનેક સ્થળે મંજૂરી વિના જ બમ્પ બની જાય છે તેમજ તેના માપદંડ જળવાતા નથી તેવી વ્યાપક ફરિયાદ મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે બમ્પ બનાવવા અંગે ખાસ એસ.ઓ.પી. જાહેર કરી છે.
મ્યુનિસિપલ કમિશનર ઘ્વારા જાહેર કરવામાં આવેલી એસ.ઓ.પી. મુજબ બમ્પ બનાવવા માટે અરજીની વિગતો તથા રોડના નામ ,તેની પહોળાઈ તેના સ્થળના લોકેશન સાથે અ.મ્યુ. કો. ના ઈજનેર ટ્રાફીક વિભાગને મોકલી આપવાના રહેશે. ત્યારબાદ અ.મ્યુ.કો.ના ઈજનેર ટ્રાફીક વિભાગ દ્વારા સંલગ્ન ઝોન, વોર્ડમાંથી તેમજ અરજદાર દ્વારા મળેલ અરજી અભિપ્રાય માટે અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસને મોકલી આપવામાં આવશે.
અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ વિભાગ જે કિસ્સામાં બમ્પ બનાવવા અંગે “હા” અને “ના” માં અભિપ્રાય આપેલ હોય તેની નકલ સાથે અ.મ્યુ.કો.ના ઈજનેર ટ્રાફીક વિભાગ સંલગ્ન ઝોન વોર્ડમાં મોકલવાની રહેશે. અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ વિભાગ જે કિસ્સામાં બમ્પ બનાવવા અંગે “ના” માં અભિપ્રાય આપેલ હોય તેવા કિસ્સામાં અભિપ્રાયની નકલ સાથે સંલગ્ન ઝોન/વોર્ડ દ્વારા અરજદારને જાણ કરવાની રહેશે.
જયારે કેટલાક કિસ્સાઓમાં શહેરીજનો ઘ્વારા સીધી અરજી ટ્રાફીક પોલીસ વિભાગને પણ કરવામાં આવતી હોય છે. ત્યારે બમ્પ બનાવવા અંગે “હા” માં અભિપ્રાય આપેલ હોય તેની નકલ સાથે અ.મ્યુ.કો.ના ઈજનેર ટ્રાફીક વિભાગ દ્વારા સંલગ્ન ઝોન વોર્ડમાં મોકલવાની રહેશે. ટ્રાફીક પોલીસ કમીશનરની બમ્પ બનાવવાની મંજુરી મળ્યા બાદ વોર્ડ કક્ષાએથી તેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
શહેરના કોઈપણ રોડ પર બમ્પ બનાવવા અંગે ઈજનેર ટ્રાફીક વિભાગ દ્વારા “હા”માં અભિપ્રાય મળ્યો હોય તો સંલગ્ન ઝોન/વોર્ડદ્વારા ૧૮.૦૦ મીટર સુધીના ટી.પી.રોડ ઉપર બમ્પ બનાવવા અંગે સંલગ્ન ઝોનના ડે. મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવવાની રહેશે તથા ૧૮:૦૦ મીટર થી વધુના ટી.પી.રોડ ઉપર બમ્પ બનાવવા કમિશનર ની મંજૂરી લેવી ફરજીયાત રહેશે.
સક્ષમ સત્તાની મંજુરી મેળવ્યા બાદ બમ્પ બનાવવા અંગેની કાર્યવાહી સંલગ્ન ઝોન વોર્ડ દ્વારા કરવાની રહેશે. જેમાં બમ્પની પહોળાઇ:- ૩.૭૦ મીટર, ઉંચાઈ: મહત્તમ ઉંચાઈ ૦.૧૦ મીટર તથા પેરાબોલિક આકાર રહેશે. આ ઉપરાંત બમ્પ બનાવવા માટે હોટ મીક્ષ મટીરીયલ (બી.સી.) નો ઉપયોગ કરવો તથા તાકીદે બમ્પ ઉપર ચુના થી પટ્ટા દોરવા, ત્યારબાદ બમ્પ ઉપર હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઈન્ટથી પટ્ટા કરવાના રહેશે.
બમ્પ બનાવ્યા બાદ જે રસ્તા ઉપર સેન્ટ્રલ વર્જ હોય તો જે તરફ બમ્પ બનાવેલ હોય તેના અંદાજીત ૫૦ મીટર પહેલા વાહન ચાલકોને દેખાય તે રીતે “બમ્પ અહેડ “નું કોશનરી સાઈનેજ લગાવવું તથા બમ્પની આગળ કેટ આઇ ફીકસ કરાવવાની રહેશે.જે રસ્તા ઉપર સેન્ટ્રલ વચ્ચે ના હોય અને બમ્પ બનાવવામાં આવે તેવા કિસ્સામાં નવા બનાવવામાં આવેલ બમ્પની બન્ને બાજુ અંદાજન ૫૦ મીટર પહેલા વાહન ચાલકોને દેખાય તે રીતે “બમ્પ અહેડ”નું કોશનરી સાઈનેજ લગાવવું તથા બમ્પની બન્ને બાજુ કેટ આઇ ફીકસ કરવાની રહેશે.
“બમ્પ અહેડ”નું કીશનરી સાઈનેજ (L.R.C.-67) મુજબ તૈયાર કરવામાં આવશે . અ.મ્યુ.કો.ના ઈજનેર ટ્રાફીક વિભાગ દ્વારા બમ્યની સાઈઝ અને લોકેશનની ચકાસણી કરવાની રહેશે. સંલગ્ન ઝોન / વોર્ડ દ્વારા બમ્પ અંગેનુ નીચે મુજબનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. હયાત બમ્પની સાઈઝ L.R.C.- 99 મુજબની ન જણાય તો રેકટીફીકેશનની કામગીરી કરી ટ્રાફીક વિભાગ પાસે ચકારાણી કરાવવાની રહેશે.હયાત તમામ બમ્પની ચકાસણી ૩ માસમાં પૂર્ણ કરી રેકટીફીકેશનની કામગીરી કરી ઈજનેર ટ્રાફીક વિભાગ મારફતે મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઝોન વાઈઝ રીપોર્ટ રજુ કરવાનો રહેશે.