Ahmedabad: મ્યુનિ. કોર્પાેરેશનના પાંચ STP પ્લાન્ટ ભગવાન ભરોસે
મુદત પૂર્ણ થયા બાદ સક્ષમ સત્તાની મંજૂરી લેવામાં આવી નથીઃ કોન્ટ્રાકટરોએ લેખિત જવાબદારી સ્વિકારી નથી
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. એસટીપી (Ahmedabad Municipal Corporation – AMC STP) વિભાગ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. મ્યુનિ. એસટીપી વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષાેથી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવામાં આવ્યુ નથી.
જ્યારે ચોંકાવનારી માહિતી મુજબ પાંચ જેટલા એસટીપીના ઓપરેશન-મેઈન્ટેનન્સની મુદત પૂર્ણ થઈ હોવા છતાં નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા નથી કે, સક્ષમ સત્તાની કોઈ મંજૂરી લેવામાં આવી નથી આમ હાલમાં આ તમામ એસટીપી ભગવાન ભરોસે ચાલી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પાે.ના હાલ ૧૩ જેટલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેને ઓપરેશન મેઈન્ટેનન્સ પેટે કોન્ટ્રાક્ટરોને દરવર્ષે ખૂબજ તગડી રકમ ચૂકવવામાં આવી રહી છે. એ બાબત પણ નોંધણીય છે કે, તંત્રના મોટા ભાગના એસટીપીના પેરામીટર જળવાતા નથી જેના કારણે સાબરમતી નદી પ્રદૂષિતત થઈ રહી છે.
જે મામલે કોર્ટ કાર્યવાહી પણ ચાલી રહી છે. તેમ છતાં એસટીપી વિભાગના અધિકારીઓ પોતાની મસ્તીમાં જીવી રહ્યા હોય તેમ લાગે છે. મ્યુનિ. કોર્પાે.ના પાંચ એસીટીપીના ઓપરેશન મેઈન્ટેનન્સની મુદત પૂર્ણ થઈ છે તેમ છતાં તેના માટે નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા નથી.
સામાન્ય નિયમ મુજબ આવા કેસમાં મુદત પૂર્ણ થતી હોય તેના છ મહિના અગાઉ નવા ટેન્ડર જાહેર કરવામાં આવે છે. અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થાય તો સક્ષમ સત્તાની મંજૂરી લેવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં એસટીપી વિભાગ દ્વારા વોટર સપ્લાય કમિટી કે સ્ટેન્ડિંગ કમિટીની કોઈજ મંજૂરી લેવામાં આવી નથી.
ચોંકાવનારી બાબત એ છે કે, એસટીપીના કોન્ટ્રાકટરોએ પણ આ અંગે વિભાગને કોઈ જ લેખિત ગેરંટી આપી નથી. તેમ છતાં પાંચ એસટીપી જૂના ટેન્ડરના કોન્ટ્રાકટરોના નામે જ ચાલી રહ્યા છે.
મ્યુનિ. એસટીપી વિભાગના જવાબદાર અધિકારીની લાપરવાહીનો ભોગ કોન્ટ્રાક્ટરોની સાથે સાથે સામાન્ય નાગરિકો પણ બની શકે છે. જે પાંચ પ્લાન્ટની મુદત પૂર્ણ થઈ છે તેમાં કોઈ અકસ્માત કે મોટી દુર્ઘટના થાય તો તેના માટે જવાબદારી કોની રહેશે તે યક્ષ પ્રશ્ન છે કારણ કે આ કેસમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી
તેમજ કોન્ટ્રાક્ટરોએ લેખિતમાં કોઈ જવાબદારી સ્વિકારી નથી આ ઉપરાંત નદી પ્રદૂષણ મામલે જે કાયેદસર કાર્યવાહી ચાલી રહી છે તેમાં પણ તંત્ર ફિક્સમાં આવી શકે છે. આ ઉપરાંત જૂના કોન્ટ્રાક્ટરોના નામે જ ઓપરેશન મેઈનન્સ ચાલી રહ્યા છે પરંતુ સક્ષણ સત્તાની મંજૂરી લેવામાં આવી નથી તેવા કેસમાં પેમેન્ટ કેવી રીતે થશે તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે.