Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની તળાવો જોડવાની યોજના નિષ્ફળઃ કોંગ્રેસ

File

નવા વાડજ ઓક્સિજન પાર્કમાં ઠેરઠેર છાણા પથરાયેલા છે ઃ શહેજાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઓક્સિજનપાર્ક બનાવવામાં આવે છે પરંતુ મોટાભાગના ઓક્સિજનોની સ્થિતિ અત્યંત બંદતર છે એક ઓક્સિજનપાર્કમાં છાણા મુકવામાં આવે છે.

તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ તળાવ લીન્કીંગ યોજના પણ નિષ્ફળ નીવડી છે અને રૂ.૧ર હજાર કરોડના બજેટના ગુણગાન ગાતા સત્તાધીશો બજેટની રકમ ક્યા ખર્ચ થાય છે તેની તસ્દી પણ લેતા નથી તેવા આકરા પ્રહાર વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવ્યા હતા.

મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગ્રેસના નેતા શહેઝાદખાન પઠાણે ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન રજુઆત કરતા જણાવ્યું હતું કે મ્યુનિ. કોર્પો. દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના બજેટ મંજુર કરવામાં આવે છે તેમાં પણ આ વર્ષે તો રેકોર્ડ બ્રેક ૧ર હજાર કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું પરંતુ બજેટના પૈસા ક્યા અને કઈ રીતે ખર્ચ થાય છે તેની કોઈ જાણકારી લેવામાં આવતી નથી.

દર વર્ષે જે રકમ ખર્ચ થાય છે તેના ઓડિટ થાય છે પરંતુ ઓડિટ વિભાગ દ્વારા જે વાંધા રજુ કરવામાં આવે છે તેના નિકાલ થતાં નથી છેલ્લા પ વર્ષ દરમિયાન ઈજનેર વિભાગ દ્વારા ૧ર૬૬૧ વાંધા રજુ કરવામાં આવ્યા હતાં જે પૈકી ર૬૧૬ વાંધાઓનો જ નિકાલ થયો છે જે બાબત તંત્ર અને ચુંટાયેલી પાંખ માટે અત્યંત શરમજનક છે.

શહેરમાં ગેરકાયદેસર બાંધકામો મામલે પણ વહીવટી તંત્ર અને સત્તાધીશો નિષ્ક્રિય સાબિત થયા છે જેના કારણે વારંવાર ઈમ્પેકટ ફી ની જાહેરાત કરવામાં આવે છે. ર૦રરમાં ઈમ્પેકટ ફીનો જે અમલ શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશનને ૪૯૭૭૬ અરજીઓ મળી છે જેની સામે માત્ર ૯પ૪૩ અરજીઓનો નિકાલ થયો છે જયારે ર૮૩૭ર અરજીઓનો નિકાલ બાકી છે જેના માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓ જવાબદાર છે અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને જયારે પણ ઈચ્છા થાય ત્યારે જેસીબી લઈને બાંધકામ તોડવા નીકળે છે તે સમયે બાંધકામ કરનાર વ્યકિતએ અરજી કરી છે કે નહી તેની પણ ચકાસણી થતી નથી.

મ્યુનિ. શાસકો દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરમાં હેપ્પી ઈન્ડેક્ષની ચર્ચા કરવામાં આવે છે શહેરના નાગરિકો ખુશખુશાલ રહે તે માટે બગીચાઓ, ઓક્સિજનપાર્ક, તળાવ ડેવલપમેન્ટના કામો કરવામાં આવતા હોવાના દાવા સત્તાધીશો કરી રહયા છે પરંતુ આ બધા કામ પૂર્ણ થયા બાદ તે જોવાની તસ્દી લેવામાં આવતી નથી. તંત્ર દ્વારા જે ઓક્સિજનપાર્ક તૈયાર કરવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના ઓક્સિજનપાર્કની હાલત અત્યંત ખરાબ હોય છે.

નવા વાડજના ઓક્સિજનપાર્કમાં તો ઠેરઠેર છાણા પાથરવામાં આવી રહયા છે. તેવી જ રીતે તળાવ લીન્કીંગની મોટી મોટી વાતો બજેટ સત્ર દરમિયાન કરવામાં આવી છે પરંતુ આઠ માસ પહેલા જ લોકાર્પણ કરવામાં આવેલા છારોડી સહિતના મોટાભાગના તળાવો સુકાઈ ગયા છે. ચાંદલોડિયા તળાવની પણ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જમાલપુરના કોર્પોરેટર રફીક શેખે પણ વહીવટીતંત્રના ભ્રષ્ટાચાર સામે આકરા પ્રહાર કર્યા હતાં તેમણે સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમાલપુર સહિત કોટ વિસ્તારના તમામ ઝોનમાં ડીસ્લીટીંગ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાના આંકડા રજુ કરવામાં આવ્યા છે પરંતુ તે પૈકી એક પણ સ્થળે કામ થયા હોય તેમ લાગી રહયું નથી અને મોટાભાગે ભૂતિયા મંડળીઓ જ હોય તેમ માનવામાં આવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.