અમદાવાદ મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર નાબુદી અભિયાન શરૂ
૮પપ૧ પાત્રોમાં મચ્છરના પોરા મળ્યાઃ દોઢ લાખ કરતા વધુ ઘરોમાં ચકાસણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો છે. જેના કારણે મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગયૂ, ચીકનગુનિયા જેવા જીવલેણ કહી શકાય તેવા રોગના કેસ પણ વધી રહયા છે
જેના કારણે મચ્છરોની ઉત્પતિ અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ. મેલેરિયા વિભાગ દ્વારા દર ગુરૂવારે ‘મચ્છર નાબુદી અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઘરે ઘરે જઈ પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરવામાં આવે છે તેમજ મચ્છરના પોરા દેખાય તો તેનો નાશ કરવામાં આવે છે. સદર અભિયાનના ભાગરૂપે આજે ૧ લાખ પ૦ હજાર વધુ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે દર ગુરૂવારે ડ્રાય ડે ની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં નાગરિકોના ઘરે ઘરે જઈ પાણીનો સંગ્રહ કરવામાં આવતા હોય તેવા પાત્રો જેવા કે કેરબા,પક્ષીચાટ, હવાડા, પાણીની ટાંકી વગેરેને ખાલી કરી તેને સાફ કરવામાં આવશે.
આ ઉપરાંત મચ્છરોના ઈડાને સ્થળ પર જ નાશ કરવામાં આવશે. મ્યુનિ. મેલેરિયા વિભાગની ટીમ દ્વારા સદર ઝુંબેશના ભાગરૂપે તમામ ૭ ઝોનના સ્લમ/ નોન સ્લમ વિસ્તારોમાં ૧પ૦ર૬૬ ઘરોમાં કુલ ૩૬પ૭૧૦ પાણી ભરેલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૮પપ૧ પાત્રોમાં મચ્છરના પોરા હોવાનું જણાતા તેને ખાલી કરવામાં આવ્યા હતાં. શહેરના મધ્યઝોનમાં પ૪૩, ઉત્તરમાં ૧૦૮૮, પૂર્વ-૩૮ર૪, પશ્ચિમ-૧ર૭પ, દક્ષિણ-ર૭૦, ઉ.પ.-ર૭૪ અને દ.પ.માં ૧ર૭૭ પાત્રો મળી આવ્યા હતા.
નાગરિકો દ્વારા પાણી ભરેલા પાત્રો સમયસર ખાલી કરવામાં ન આવે તો પાત્રની સપાટી પર મચ્છરના ઈડા ચોટી રહે છે જે એક વર્ષથી વધારે જીવિત રહી શકે છે. જે ઈડા પાણીના સંપર્કમાં આવતા ફરીથી એજ પાત્રમાં મચ્છરના પોરા બની અને મચ્છરની ઉત્પતિ થાય છે. ડેન્ગ્યૂના રોગ માટે જવાબદાર માંદા એડીસ મચ્છરની ઉત્પતિ આવી રીતે જ થાય છે તેથી નાગરિકોએ પણ આ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.