Western Times News

Gujarati News

મ્યુનિ. STP વિભાગે હાઈકોર્ટમાં રજૂ કરેલ બ્લ્યુ પ્રિન્ટમાં આંકડાકીય માયાજાળ

પ્રતિકાત્મક

નદીમાં થતા બાયપાસ પાણીના આંકડાઓમાં વિસંગતતા

દેવેન્દ્ર શાહ દ્વારા, અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે જે અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક વખત કોર્પોરેશનની આકરી ટીકા પણ કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટ સમક્ષ લગભગ એક મહિના અગાઉ એક બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે.

જેમાં કોર્પોરેશન હસ્તકના તમામ એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા અંગેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે પરંતુ અહીં કોર્પોરેશન દ્વારા આંકડાકીય રમત કરવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાવે છે. ખાસ કરીને ટ્રીટમેન્ટ વિના બાયપાસ થતાં પ્રદૂષિત પાણીના આંકડાની માયાજાળ જોવા મળી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન એસટીપી વિભાગ દ્વારા લગભગ ર મહિના અગાઉ નદીમાં છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીની જે વિગતો જાહેર કરવામાં આવી હતી તે મુજબ તંત્ર દ્વારા દૈનિક ૬૧૩ એમ.એલ.ડી. પ્રદૂષિત પાણી નદીમાં બાયપાસ થાય છે. પરંતુ હાઈકોર્ટ સમક્ષ જે બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે તેમાં વધુમાં વધુ ૩૩૦ એમ.એલ.ડી. નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે મહિના અગાઉ જે ક્ષમતા દર્શાવવામાં આવી છે તેમાં અનેક બ્લ્યુ પ્રિન્ટમાં જે આંકડા રજૂ કરવામાં આવે છે તેમાં પણ મોટી વિસંગતતા જોવા મળી રહી છે. બ્લ્યુ પ્રિન્ટમાં તમામ પ્લાન્ટોની ક્ષમતા ૧૩૩પ એમ.એલ.ડી. બતાવી છે જ્યારે બે મહિના અગાઉ વિભાગ તરફથી જે આંકડા જાહેર કરવામાં આવતા તે મુજબ ૧રરપ એમએલડીની ક્ષમતા છે.

બ્લ્યુ પ્રિન્ટમાં દૈનિક ૧૧૦૦ એમએલડી પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ થતી હોવાની જણાવામાં આવી છે જે આંકડા પણ ભ્રામક હોવાનું માનવામાં આવે છે.

બ્લ્યુ પ્રિન્ટમાં દૈનિક ૧૪૦૦ એમએલડી શુદ્ધ પાણી સપ્લાયના ૮૦ ટકા સુવરેજ વોટરની ગણતરી કરવામાં આવી છે. જ્યારે ખરેખર જોવામાં આવે તો કોર્પોરેશનના ૧૪૦૦ એમએલડી ઉપરાંત ખાનગી બોર દ્વારા દૈનિક પ૦૦થી ૬૦૦ એમએલડી શુદ્ધ પાણીનો વપરાશ થાય છે.

આમ અમદાવાદમાં દૈનિક અંદાજે બે હજાર એમએલડી શુદ્ધ પાણીનો વપરાશ થાય છે. જેની સામે ૮૦ ટકા સુવરેજ વોટરની ગણતરી કરવામાં આવી છે તો તમામ પ્લાન્ટમાં દૈનિક ૧૬૦૦ એમએલડી પ્રદૂષિત પાણીની આવક થાય છે. જેની સામે કોર્પોરેશન ૧૦૦૦ એમએલડી ટ્રીટ કરે છે. બાકીનું પાણી નદીમાં બાયપાસ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.