Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.કમિશનર કે મિસ્ટર ઈન્ડિયા?

મ્યુનિ.બોર્ડમાં ભાજપના કોર્પાેરેટરે સંવેદના ગુમાવી

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત બે દિવસ થયેલા વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. મ્યુનિ.કોર્પાે.દ્વારા ચોમાસા અગાઉ કોઈપણ સ્થળે પાણી નહીં ભરાય તેવા દાવા કરવામાં આવ્યા હતા. જે ખોટા સાબિત થયા છે. બુધવારે મળેલી માસિક સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વરસાદી પાણીના ભરાવા અને નાગરિકોને થયેલ ભારે હાલાકી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

તેની સામે શાસક પક્ષના કોર્પાેરેટરે વાણી વિલાસ કરતાં બોર્ડમાં હંગામો થયો હતો અને અંતે બોર્ડ બંધ કરવામાં આવ્યું હતું. મ્યુનિ.માસિક સામાન્ય સભામાં કમિશનરની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી હતી. ભારે વરસાદ બાદ કમિશનર મિસ્ટર ઈન્ડિયા બની ગયા હોય તેમ કેટલાંકને લાગી રહ્યું છે.

મ્યુનિ. બોર્ડમાં ભાજપના કોર્પાેરેટર દશરથ પટેલે તેમના વક્તવ્યમાં નાગરિકોને થયેલી હાલાકી મામલે સંવેદના દાખવવાના બદલે પહેલાના જમાનામાં કોઈને મળવું હોય તો લો ગાર્ડન, સરદાર બાગ અને તિલક બાગ જેવા ત્રણ બગીચા હતા. તે પ્રકારનો વાણી વિલાસ કર્યો હતો. જેની સામે વિપક્ષ દ્વારા વરસાદ મામલે વાત કરવા રજૂઆત કરી હતી. પરંતુ અધ્યક્ષ સ્થાનેથી મેયરે પણ તેમની પાર્ટીના કોર્પાેરેટરને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપ્યું હતું.

જેના કારણે કોંગ્રેસે બેનર સાથે સૂત્રોચ્ચાર કરતાં બોર્ડ બંધ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે, માત્ર ૭-૮ ઈંચ વરસાદમાં જ શહેર જળબંબાકાર થયું હતું. જેની સીધી જવાબદારી મ્યુનિ.કમિશનરની રહે છે. મ્યુનિ.કોર્પાેરેશનની માસિક સામાન્ય સભામાં કમિશનરે હાજરી આપી આ અંગે ચૂંટાયેલી પાંખને સંતોષકારક જવાબ આપવાનો રહે છે

પરંતુ કમિશનર એમ.થેન્નારસન આવી નૈતિક હિંમત બતાવી શક્યા નથી તેમજ ચૂંટાયેલી પાંખના વિરોધનો સામનો ન કરવો પડે તે માટે તેઓ બોર્ડમાં પણ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત પત્રકારોની મિટિંગમાં પણ તેઓ હાજર રહ્યા ન હતા. સામાન્ય રીતે આવી કઠીન પરિસ્થિતિમાં કમિશનર સામેથી જ પત્રકારો અને ચૂંટાયેલી પાંખ સમક્ષ આવતા હોય છે અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરીને પૂરી માહિતી આપતા હોય છે પરંતુ અમદાવાદમાં રપ તારીખ મઘરાતથી વરસાદ શરૂ થયા બાદ કમિશનર કંટ્રોલ રૂમ સિવાય ક્યાંય જોવા મળ્યા નથી. જેના કારણે તેઓ છેલ્લા ચાર દિવસથી મિસ્ટર ઈન્ડિયા બની ગયા છે. તેવી ચર્ચા થઈ રહી છે.

આ અગાઉ વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને લઈ ભાજપના સત્તાધીશો અને પ્રિન્સિપલ કોર્પોરેશન તંત્રને આડે હાથ લેતા શ્વેત પત્ર જાહેર કરવાની માંગ કરી હતી. પ્રી-મોનસૂન પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? ક્યાં ખર્ચ કરવામાં આવ્યો? ક્યાં કામગીરી થઈ નથી? જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે.

વિપક્ષનેતાએ સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, બે દિવસના વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પ્રજાને બચાવી શકી નથી. દેશમાં ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે એવા અમદાવાદ મહાનગરપાલિકામાં બે ઇંચમાં જો વરસાદી પાણી ભરાય તો તેની જવાબદારી ભાજપના સત્તાધીશોની છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કરોડો રૂપિયાના ખર્ચ અલગ-અલગ પ્રોજેક્ટની વાત કરે છે. શહેરમાં પૂરતી સ્ટોર્મ વોટર લાઈનો નથી. ડ્રેનેજ પ્રોજેક્ટ પાછળ વર્ષે ૨૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. મોનસુનના નામે કેચપીટ અને ગટરની સાફ-સફાઈમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.