મ્યુનિ. બોર્ડમાં પ્રજાના પ્રશ્નો સામે ધર્મના રાજકારણની જીત
વિપક્ષી નેતાની ગેરહાજરીમાં કોંગ્રેસ મુદ્દા વિહોણી લાગી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગ્રેસે ધાર્મિક સ્થાનોનો મુદ્દે ઉઠાવી હોબાળો કરતા અધ્યક્ષસ્થાને થી મેયરે સભા બરખાસ્ત કરી હતી. આ અગાઉ કોંગ્રેસ તરફથી માત્ર એક જ કોર્પોરેટર ને રજુઆત કરવાની તક મળી હતી. જો કે, વિપક્ષી નેતા ની ગેરહાજરી ના કારણે કોંગ્રેસ મુદ્દાવિહીન હોય તેમ લાગી રહ્યું હતું.
મ્યુનિ. બોર્ડના ઝીરો અવર્સ દરમ્યાન કોંગી કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે. જે આરસીસીના બોક્સ નાખવામાં આવ્યા છે ત્યાં માટીના અને કચરાના ઢગલા જોવા મળ્યા છે. કૃષ્ણનગર વર્કશોપ પાસે રોડ બનાવી દેવામાં આવ્યો છે પરંતુ નીચે હવે કામ એવું કર્યું તે એક સવાલ છે કામની ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ. મેયર ખારીકટ કેનાલની મુલાકાત લે તેવી માંગ કરી હતી.
શહેરમાં પ્રિ મોનસુન પ્લાન નિષ્ફળ ગયો હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો હતો શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે તેવું કહેતાની સાથે જ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જવાબ આપતા કહ્યું હતું કે એક સાથે પાંચ ઇંચ વરસાદ પડે તો પાણી ભરાય જ પરંતુ જે પાણી ભરાય છે તેનો સમય મર્યાદામાં નિકાલ થવો જોઈએ તે અમે માનીએ છીએ. દુબઈ અને અમેરિકામાં પણ પાણી ભરાયા હતા. સમય મર્યાદામાં પાણીનો નિકાલ થઈ જાય છે અને જે ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે તેના કારણે ફાયદો પણ થયો છે.
મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય સભામાં કોંગી કોર્પોરેટર ઘ્વારા જે મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા તે પૈકી મોટાભાગના મુદ્દા જૂના હતા અથવા તો બોર્ડમાં તે અંગે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી હતી. ગુજરાત હાઈકોર્ટે ઘ્વારા નડતરરૂપ ધાર્મિક સ્થાનો દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે અંતર્ગત કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમ છતાં અગમ્ય કારણોસર કોંગી કોર્પોરેટરોમાં ધાર્મિક ભાવના જાગી ઉઠી હતી અને ધાર્મિક સ્થાનો દૂર ન કરવા રજુઆત કરી હતી. જેના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટીં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે આ જ્યુડિશિયલ મેટર છે તેમજ કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાનો ને રી-લોકેટ કરવામાં આવશે.તેમજ ઇમપેક્ટ માં મંજુર થઈ શકે તેવા ધાર્મિક સ્થાનોને બી.યુ. આપવામાં આવશે. તેમ છતાં કોંગી કોર્પોરેટરો બેનર લઈ ને ઉભા થઇ ગયા હતા તેમજ સૂત્રોચ્ચાર કરી મેયરને બોર્ડ બરખાસ્ત કરવાની ફરજ પાડી હતી.
કોંગી કોર્પોરેટરોના આવા વલણથી એ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે ગૃહ માં હાજર કોર્પોરેટરો પાસે સત્તાધારી પાર્ટીને ભીંસ માં લઇ શકે તેવા મુદ્દા નહતા. વિપક્ષી નેતા ની ગેરહાજરીમાં તેમના વિરોધી જૂથે ઓફિસ પર તો કબજો કર્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી સતત નિષ્ક્રિય રહેવાના કારણેમોટાભાગના કોર્પોરેટર પાસે ધારદાર રજુઆત કરી શકે તેવા મુદ્દા નો અભાવ હોય તેમ લાગી રહ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ઉપનેતા નીરવ બક્ષી અને અભ્યાસુ કોર્પોરેટર રાજશ્રીબેન ના વક્તવ્ય બાકી હોવા છતાં કોર્ટ મેટર ના મામલે શા માટે ધમાલ કરવામાં આવી તે બાબત સમજવી મુશ્કેલ છે.