અમદાવાદ મ્યુનિ.કમિશનરે રૂ.૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું
રેવન્યુ ખર્ચ ની ખાદ્ય દૂર કરવા રૂ.૪૫૦ કરોડના નવા વેરા સૂચવ્યા : પ્રોપર્ટી ટેક્ષમાં દર વર્ષે ૫ ટકા નો વધારો થશે : વિસત, માનસી, પંચવટી જંકશન પર ફ્લાયઓવરની જાહેરાત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનનું નાણાકીય વર્ષ ૨૦૨૩- ૨૪ માટે રૂ. ૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજુ કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના ડ્રાફ્ટ બજેટમાં રૂ. ૨૮૯ કરોડની રકમનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વધતાં જતા વહીવટી ખર્ચા અને રાજ્ય સરકારની મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટની ઓછી રકમને લઈ ટેક્સમાં વધારો કર્યો છે. મ્યુનિસિપલ કમિશનરે પ્રોપર્ટી ટેક્સમાં વધારો, પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તેમજ ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ માં વધારો કરવામાં આવ્યો છે. ફુગાવાના દર તેમજ પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરેને પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ ૫ ટકાનો વધારો કરવા સૂચન માટે પણ બજેટમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે નાગરિકો ના સુચનોને ધ્યાનમાં લઈ પ્રાથમિક સુવિધાઓ પર ભાર મુક્યો છે. પ્રથમ વખત જેન્ડર વાઇઝ બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમજ રાજકીય ટાંકીઓ, સ્વીમીંગ પુલ્સ, જીમનેશિયમ, ટેનિસકોર્ટ , કોમ્યુનિટી હોલ વગેરેને તિલાંજલિ આપી છે.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ર.૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં ર.૪૯૦૦ કરોડ રેવન્યુ અને ૩૫૦૦ કરોડ કેપિટલ ખર્ચ થશે. ૨૦૨૨-૨૩ માટે રૂ ૮૧૧૧ કરોડના ડ્રાફ્ટ બજેટમાં ૩.૨૦ ટકા નો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ના ડ્રાફ્ટ બજેટ મુજબ રાજય સરકાર તરફથી ઓક્ટ્રોય અવેજી ગ્રાન્ટ પેટે માસિક રૂ.૯૩ કરોડ મળે છે. નવા નાણાકીય વર્ષમાં ઓક્ટ્રોય ગ્રાન્ટ પેટે માસિક રૂ.૯૯.૫૦ કરોડ મળશે તેવો અંદાજ છે. પરંતુ તેની સામે વહીવટી ખર્ચેમાં ૧૦.૩૯ ટકા નો વધારો થઈ શકે છે. ૨૦૨૩-૨૪માં માસિક Eshtablishment ખર્ચ રૂપિયા ૧૭૧.૮૫ કરોડ થશે. આમ, ઓક્ટ્રોય ગ્રાન્ટ અને પગાર પેન્શન ખર્ચમાં દર મહિને રૂ.૭૨ કરોડની ખાદ્ય રહેશે. જેની વાર્ષિક રકમ રૂ. ૮૬૪ કરોડ થશે. આ ઉપરાંત છેલ્લા ૧૦ વર્ષમાં ફુગાવો પણ વધી ગયો છે. જેના કારણે ટેક્ષમાં વધારો કરવાની ફરજ પડી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હાલ રહેણાંક મિલકતો પર પ્રતિ ચોરસ મીટર રૂ.૧૬ લેખે આકારણી કરવામાં આવે છે. જે વધીને પ્રતિ ચોરસ મીટર રૂ.૨૩ કરવામાં આવી છે. તેવી જ રીતે કોમર્શિયલ મિલકતોમાં રૂ.૨૮ થી વધારી રૂ.૩૭ કરવામાં આવ્યા છે. મિલકતવેરા વધારાના કારણે ડીમાન્ડમાં રૂ.૩૫૦ કરોડ નો વધારો થશે. જયારે ડોર ટુ ડોર ગારબેજ કલેકશન માટે જે યુઝર્સ ચાર્જ લેવામાં આવે છે તેમાં ક્ષેત્રફળ મુજબ બે થી પાંચ ઘણો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે આવકમાં રૂ.૭૦ કરોડ નો વધારો થશે. જયારે અમદાવાદમાં પ્રથમ વખત એનવાયરમેન્ટ ચાર્જ માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
જેમાં જે તે મિલકત ના ક્ષેત્રફળ ના આધારે આકારણી થશે. સુરતમાં ૨૦૧૮થી આ મુજબ વેરો લેવામાં આવી રહ્યો છે. એનવાયરમેન્ટ ચાર્જ ના કારણે વાર્ષિક રૂ.૫૦ કરોડ સુધીની આવક થાય તેવો અંદાજ છે. જયારે ફુગાવા ના દરને ધ્યાનમાં લઈ પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં દર વર્ષે ૫ ટકાના વધારા માટે સૂચન કરવામાં આવ્યું છે.અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે તેમના ડ્રાફટ બજેટમાં ફરી એક વખત વોટર મીટર માટે ભાર મુકયો છે મ્યુનિ. કમિશ્નરના જણાવ્યા મુજબ શહેરના જાેધપુર, સોલા, વસ્ત્રાલ, થલતેજ સહિતના જે વિસ્તારોમાં ર૪ કલાક પાણી સપ્લાયની સુવિધા છે તે વિસ્તારોમાં વોટર મીટર મુકવામાં આવશે આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ધીમે ધીમે વોટર ઈન્સ્ટોલ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે જેમાં ઘર દીઠ દર મહિને ર૦ હજાર લીટર પાણી વિનામુલ્યે આપવામાં આવશે ત્યારબાદ કોર્પોરેશન નકકી કરશે તે મુજબનો વોટર ચાર્જ લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં આવક વધારાની સાથે સાથે નાગરિકો ની પ્રાથમિક જરૂરિયાત પર ભાર મુક્યો છે.
પ્રદુષિત પાણી અને અપૂરતા પ્રેશર ને દૂર કરવા માટે મધ્યઝોન , પૂર્વઝોન અને ઉતરઝોનની અંદાજે ૪૧ કિલોમીટર લંબાઈ ની ડ્રેનેજ લાઈનનું રિહેબ કરવા માટે જાહેરાત કરી છે.જેના માટે રૂ.૩૯૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી વર્ષોમાં ૧૦૦ ટકા ડ્રેનેજ લાઇન માટે આયોજન કરવામાં આવશે. નાગરિકો ના પીવા લાયક શુદ્ધ પાણી મળી રહે તે માટે ૧૭ નવા વો.ડી.સ્ટેશન બનાવવામાં આવશે. શહેરના નવરંગપુરા, નાના ચિલોડા, આંબાવાડી, વટવા ટી.પી.૮૫, થલતેજ, શીલજ, ગોતા, નવા વણઝર, અમરાઈવાડી, નિકોલ સહિતના વિસ્તારોમાં નવા વો.ડી.સ્ટેશન બનાવવામાં આવશે.વિશ્વ બેન્ક તરફથી મળનાર લોનમાંથી રૂ.૩૦૦૦ કરોડના ખર્ચથી એસ.ટી.પી.અપગ્રેડ અને જૂની લાઈનો રી-હેબ કરવા માટે ડ્રાફ્ટ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
નવા નાણાકીય વર્ષમાં ૨૯૪ કિલોમીટર ના રોડ બનશે. જેમાં નવા ટી.પી.રોડ ૮૮ કિલોમીટર ના રહેશે જયારે ૨૦૬ કી.મી.ના રોડ રિસરફેસ થશે. રોડ ની સાથે ૨૪૪.૮૫ કિ. મી. ની ફૂટપાથ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં ૫ નવા આઇકોનીક રોડ બનવવા માટે પણ કમિશનરે જાહેરાત કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ સર્કલ થી ઈન્દિરા બ્રીજ, એરપોર્ટ થી ડફનાળા, વિસત થી ઝુંડાલ સર્કલ, વિસત થી તપોવન સર્કલ અને રાજપથ સર્કલ થી એસ.પી.રિંગ રોડ નો સમાવેશ થાય છે. નવા વર્ષમાં ૧૬ સ્થળે વ્હાઈટ ટોપિંગ થી રોડ બનાવવામાં આવશે.
શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ૭ સ્થળે ફ્લાયઓવર ના કામ ચાલી રહ્યા છે. નવા વર્ષમાં પંચવટી જંકશન, માનસી જંકશન, પાંજરાપોળ જંકશન તેમજ વિસત જંકશન પર ફ્લાયઓવર બનાવવા સૂચન કરવામાં આવ્યા છે. જયારે ઐતિહાસિક એલિસબ્રિજ ને રી-સ્ટોર કરી તેની પર લીનીયર ગાર્ડન બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર ના બજેટમાં હેલ્થ-હોસ્પિટલ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો ક્ષહે. તેમજ પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ હેલ્થ બજેટમાં લગભગ ૫ ગણો વધારો કરવામાં આવ્યો છે.આગામી વર્ષે નાગરિકો ની આરોગ્ય સુખાકારી માટે રૂ.૯૦.૪૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.
જેમાં સ્લમ વિસ્તારમાં મેડિકલ સુવિધા, રાણીપમાં ફિઝિયોથેરાપી સેન્ટર, નવા ૧૩ અર્બન હેલ્થ સેન્ટર બનાવવા મુખ્ય છે. નવા નાણાકીય વર્ષમાં એનર્જી સેવિંગ માટે રૂ.૪૫.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.મ્યુનિ. કોર્પોરેશન ના તમામ વો.ડી.સ્ટેશન અને બિલ્ડિંગસ પર સોલાર સિસ્ટમ મૂકવામાં આવશે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ.૪૬.૨૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.જેમાં રૂ.૩૦ કરોડના ખર્ચથી ચાંદલોડીયા અને ગોતામાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. શહેરના જાેધપુર અને સરખેજ વોર્ડમાં કોમ્યુનિટી હોલ માટે જાહેરાત કરવામાં આવી છે. જયારે ટાઉનહોલ ના રીનોવેશન માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.
મ્યુનિ. કમિશનરે થલતેજ, ચંડોળા, મકરબા, રામોલ, સોલા, શકરી તળાવ, અસારવા, વટવા, સોલા અને બોડકદેવ સહિત ૧૦ તળાવો ના ડેવલપમેન્ટ માટે રૂ.૪૦.૭૦ કરોડની જાેગવાઈ કરવામાં આવશે.જયારે વસ્ત્રાલ, વિરાટનગર, સાઉથ બોપલ, ઇસનપુર, સૈજપુર, સરદારનગર, ખાડિયા, નિકોલ સહિતના વિસ્તારોમાં કુલ ૧૨ નવા બગીચા માટે રૂ.૨૧.૭૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ બજેટમાં પ્રથમ વખત સ્ત્રીઓ માટે અલગ જાેગવાઈ કરવામાં આવી છે.જે અંતર્ગત શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં એક-એક મહિલા હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમજ ઝોન દીઠ એક શી-લોન્જ તૈયાર થશે. જેમાં ઘોડિયાઘર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મ્યુનિ. કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં રિવરફ્રન્ટ માટે રૂ.૨૨૨ કરોડ , જનમાર્ગ માટે રૂ.૧૪૪ કરોડ, સ્માર્ટ સીટી માટે ૧૫ કરોડ તેમજ એ.એમ.ટી.એસ. માટે રૂ. ૩૯૮ કરોડની લૉન-ગ્રાન્ટ પેટે ફાળવણી કરી છે.