Western Times News

Gujarati News

AMCના અધિકારીઓ સરપ્રાઈઝ ચેકિંગ કરી સોસાયટીઓમાં સ્વચ્છતાનું ચેકીંગ કરશે

પ્રતિકાત્મક

‘ગ્રીન સ્વચ્છ લીગ’નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજન કરશે-શહેરની રજીસ્ટર્ડ સોસાયટીઓમાં વોર્ડ દીઠ સ્પર્ધા યોજાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરી સોસાયટીઓમાં તમામ પાસાઓને તપાસવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર – રજિસ્ટ્રેશન કરાવનાર તમામ સોસાયટીઓને સર્ટિફિકેટ, મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

અમદાવાદ શહેરને દેશનું સૌથી સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા “ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ”નું આયોજન કર્યું છે. સોસાયટીઓ, ફ્લેટો, હાઈરાઈઝડ બિલ્ડિંગોમાં સ્વચ્છતા બાબતે જાગૃતતા કેળવાય તેવો હેતુ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આવેલી રજીસ્ટર્ડ સોસાયટીઓ, ફ્‌લેટો, હાઈરાઈઝડ બિલ્ડિંગોમાં સ્વચ્છતા બાબતે જાગૃતતા કેળવાય, ઘરે ઘરે કચરાને સૂકા અને ભીના મુજબ અલગ-અલગ કરીને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં આપવામાં આવે તથા પર્યાવરણને બચાવવા અંગેના પગલાઓ લેવા માટે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આ સ્પર્ધા યોજવામાં આવી છે.

મ્યુનિ. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોર અને વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વિજય મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અને માય સિટી માય પ્રાઈડ અભિયાન હેઠળ શહેરના ૭ ઝોનના ૪૮ વોર્ડમાં આવેલી સોસાયટીઓ, ફ્‌લેટોમાં ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ દીઠ ઓછામાં ઓછી ૫૦ સોસાયટીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. દરેક સોસાયટીએ પોતાની સ્વચ્છતા કમિટીની રચના કરવાની રહેશે.

સ્પર્ધામાં સોસાયટીઓના પરિસરને સ્વચ્છ રાખવી, સેગ્રીગેશન કરેલો કચરો ફક્ત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનોમાં જ નિકાલ કરવા, પ્રિમાઈસમાં ઓનસાઇટ કચરાનું પ્રોસેસિંગ, સોસાયટીના રહીશો દ્વારા કચરો રીડયુસ, રીયુઝ, રીસાયકલ કરવા માટે ૩ઇ પ્રિન્સીપાલ અમલ, સોસાયટીના રહીશો દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક ઉપયોગ ન કરવામાં આવતો હોય,

શહેરને સ્વચ્છ રાખવાના વિવિધ જન-જાગૃતિ કાર્યક્રમો અને ફીડબેકમાં સોસાયટીની ભાગીદારી તેમજ રહેણાકના કોમન પરિસરમાં ગ્રીન બેલ્ટ-પ્લાન્ટેશન તથા પીવાના પાણીનો પ્રમાણસર ઉપયોગ અને સોલાર રૂફ ટોપની સંખ્યા સહિતના વિવિધ પાસાઓના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. કુલ ૧૦૦ માર્કસ પૈકી ક્વોલિફાય થવા માટે દરેક સોસાયટીએ ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ લાવવાના રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરી સોસાયટીઓમાં તમામ પાસાઓને તપાસવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર – રજિસ્ટ્રેશન કરાવનાર તમામ સોસાયટીઓને સર્ટિફિકેટ, મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક વોર્ડમાંથી ૩ સોસાયટીઓને વિજેતા જાહેર કરાશે. સાત ઝોનમાંથી કુલ ૨૧ જેટલી સોસાયટીઓ વચ્ચે સ્પર્ધા થશે અને તેમાંથી પણ ત્રણ સોસાયટીઓને બેસ્ટ સોસાયટી જાહેર કરવામાં આવશે. તમામ વિજેતા સોસાયટીઓને પુરસ્કાર અલગથી આપવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજેતા સોસાયટીઓને ઈનામમાં મળેલી રકમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા રાજ્ય સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટના કામોમાં મેચિંગ ફંડ તરીકે તેનો ઉપયોગ કરી શકાશે.

જો ફંડની આવશ્યકતા ન હોય તો સોસાયટીઓને જરૂરિયાત મુજબ જીમના અથવા બાળકોના રમતગમતના સાધનો પણ આપવામાં આવશે. શહેરને સ્વચ્છ અને સુંદર બનવવાના ભાગરૂપે “સ્વચ્છ અને સુંદર વોર્ડ સ્પર્ધા’માં રોજે રોજ કરવામાં આવતી સફાઈની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા તમામ ૪૮ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ વચ્ચે આંતરીક હરીફાઈ-સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. ઝોન લેવલે ૧ અને શહેર લેવલે ૧ બેસ્ટ વોર્ડ નક્કી કરવા તથા “સ્વચ્છ અને સુંદર વોર્ડ સ્પર્ધા” પણ આયોજિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.