Ahmedabad: મ્યુનિસિપલ ટેક્ષ વિભાગે નવી 16436 મિલ્કતોની આકારણી કરી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ ઘ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે પશ્ચિમઝોન માં ચતુરવર્ષીય આકારણી કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય 6 ઝોનમાં ટેક્ષ બિલો તૈયાર અને વહેંચણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત દરવર્ષ ની માફક ચાલુ નાણાકીય વર્ષમાં પણ નવી મિલ્કતો શોધી તેની આકારણી કરવામાં આવી છે.
એક અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં 16 હજાર કરતા વધુ નવી મિલ્કતો ની આકારણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ ઘ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં નવી 11250 રહેણાંક અને 5186 કોમર્શિયલ મિલ્કતો ની આકારણી કરવામાં આવી છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગ તરફથી ઇસ્યુ કરવામાં આવેલ બી.યુ.પરમીશન તેમજ વપરાશ શરૂ થઈ ગયા બાદ મિલ્કતધારકો તરફથી કરવામાં આવતી અરજીના આધારે નવી આકારણી થતી હોય છે.
મ્યુનિ. ટેક્ષ વિભાગ ઘ્વારા પૂર્વઝોનમાં સૌથી વધુ 4563 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3200 નવી મિલ્કતો ની આકારણી કરવામાં આવી છે. નવી મિલ્કતો ની આકારણી થવાના કારણે 2024-25માં ટેક્ષ ડિમાન્ડમાં પણ વધારો થશે . વર્તમાન નાણાકીય વર્ષમાં પશ્ચિમ ઝોનમાં ચતુરવર્ષીય આકારણી ચાલી રહી છે તેથી તેના બિલોની વહેંચણીમાં થોડો વિલંબ થઈ શકે છે.
મ્યુનિસિપલ રેવન્યુ કમિટી ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાના જણાવ્યા મુજબ દ.પશ્ચિમ ઝોનમ નવી મિલ્કતોમાં 460 કોમર્શિયલ ઓફિસો, 235 દુકાન, 33 એન.એ.થયેલ ખુલ્લા પ્લોટની આકારણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર પશ્ચિમમાં 633 ઓફિસ , 360 દુકાન અને 33 એન.એ.ખુલ્લા પ્લોટ, દક્ષિણ ઝોનમાં 252 ઓફિસ, 340 દુકાન, 42 ફેક્ટરી અને 49 વર્કશોપ, પૂર્વ ઝોનમાં 627 ઓફિસ, 466 દુકાન, 590 ફેક્ટરી અને 38 ખુલ્લા પ્લોટ જયારે પશ્ચિમ ઝોનમાં 229 ઓફિસ અને 165 દુકાનની નવી આકારણી કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ગેરકાયદેસર બાંધકામ થી ધમધમતા મધ્યઝોનમાં માત્ર 16 કોમર્શિયલ અને 144 રહેણાંક મિલ્કતો ની નવી આકારણી થઈ છે.