Western Times News

Gujarati News

૩૩૫ મિલકતો સીલ કરી અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા નહીં ભરનારાઓની મિલકત સીલ કરવાની ઝુંબેશના ભાગરૂપે ગુરૂવારે ૩૩૫ મિલકત સીલ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં સીલિંગ ઝૂંબેશ વધુ સઘન બનાવવામાં આવશે અને તેમ છતાં પણ પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારના પાણી- ડ્રેનેજના જાેડાણ કાપવા માટે ઈજનેર વિભાગની મદદ લેવામાં આવશે અને મોટા બાકીદારોની પ્રિમાઈસીસના સ્થળે ઢોલ- નગારા વગાડીને બાકીદારોના નામ પોકારવામાં આવશે.

મિલકતવેરાની વસૂલાત માટે વ્યાજ માફી સ્કીમનો અમલ કરવાની સાથે સાથે પ્રોપર્ટી ટેક્સ ભરવામાં અખાડા કરતા બાકીદારોની મિલકતો સીલ કરવા માટેની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝૂંબેશના ભાગરૂપે ગુરૂવારે પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૧૦૦ મિલકત સહિત શહેરમાં કુલ ૩૩૫ મિલકત સીલ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં સીલીંગ ઝુંબેશ સઘન બનાવવામાં આવશે. મ્યુનિ. દ્વારા પ્રોપર્ટી ટેક્સ બાકીદારોને નોટિસ આપવામાં આવી હોવા છતાં ઈરાદાપૂર્વક પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાઓની મિલકત સીલ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

દક્ષિણ- પશ્ચિમઝોનમાં ટેક્સ બિલોના વિતરણની કામગીરી ચાલી રહી હોવાથી દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં સીલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ નથી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગુરૂવારે પ્રોપર્ટી ટેકસ વિભાગ દ્વારા મિલકત સીલીંગ કાર્યવાહી કરવામાં આવી હતી

જેમાં પૂર્વ ઝોનમાં મારૂતિનગર સોસાયટી, હરેકૃષ્ણ એસ્ટેટ, શકરાભગતની ચાલી, સાન્નિધ્ય પાર્ક, પશ્ચિમ ઝોનમાં નંદનવન કોમ્પ્લેક્સ, સિમંધર પાર્ક, વંદે માતરમ, માધવબાગ સોસાયટી, અને અર્થ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનમાં સર્વોદય કોમ્પ્લેક્સ, સ્પેક્ટ્રમ કોમ્પ્લેક્સ, રીલીફ શોપિંગ સેન્ટર,

ઉત્તર ઝોનમાં શક્તિધારા, શ્રેયસ પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વિકાસ એસ્ટેટ, વગેરે, દક્ષિણ ઝોનમાં હીરાબાઈ ટાવર, ચિરાગ એસ્ટેટ, વગેરે, ઉત્તર- પશ્ચિમ ઝોનમાં નવજ્યોત શિલ્પ, નારાયણ એક્ઝોટિકા, હિમાલયા મોલ, સહજાનંદ કોમ્પ્લેક્સ, વગેરેમાં દુકાનો, કોમર્શિયલ યુનિટને સીલ કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.