અમદાવાદ મ્યુનિ. વોટર ઓપરેશન વિભાગના ટેન્ડરમાં પણ ફિકસીંગ

પ્રતિકાત્મક
૩૬ કલાક પહેલાં જ ખાસ કંપનીની પ્રોડકટને ફાયદો થાય તે માટે ટેન્ડરમાં જાહેર કરેલી અમુક કંપનીની બ્રાન્ડને રદ કરી નાંખતા ભારે ખળભળાટ
જયોતિ અને કિલોસકર કંપનીના ભાવ અન્ય કંપની કરતા ઉંચા રહે છે તેથી પંમ્પમાં ફલોમોર કંપની સાથે સેટીંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ
૧પ૦ વો.ડી. સ્ટેશનમાં કાર્યરત બ્રાન્ડના નામ અચાનક નવા ટેન્ડરમાંથી ગાયબ કરાતા થઈ રહેલ તર્ક વિતર્ક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ લાઈટ વિભાગમાં ખાસ માનીતી કંપનીઓ કે કોન્ટ્રાકટરોને ફાયદો થાય તેવી ટેન્ડર શરતો રાખવાના આક્ષેપસર એડીશનલ ઈજનેરને શો કોઝ નોટીસ આપવામાં આવી છે.
આ વિવાદની શાહી પણ હજી સુકાઈ નથી ત્યારે જ વોટર ઓપરેશન વિભાગના બે પૈકી એક એડીશનલે પણ ટેન્ડર ભરવાની મુદત પૂર્ણ થવાના ૩૬ કલાક પહેલાં જ ખાસ કંપનીની પ્રોડકટને ફાયદો થાય તે માટે ટેન્ડરમાં જાહેર કરેલી અમુક કંપનીની બ્રાન્ડને રદ કરી નાંખતા ભારે ખળભળાટ મચી ગયો છે. વોટર વિભાગના એડીશનલે આ માટે કમિશનરની મંજુરી પણ લીધી ન હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. વોટર ઓપરેશન વિભાગ દ્વારા લગભગ રપ દિવસ અગાઉ ગીતાબાગ પાલડી, નિયોજનગર માણેકબાગ, કિરણ પાર્ક- વાડજ, તથા સોલા અને આંબલી પંપીંગ સ્ટેશનમાં વાલ્વ, પંપ અને ટ્રાન્સફોર્મર બદલવા માટે અંદાજે રૂ.૯ કરોડના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેના ટેન્ડર ભરવાની મુદત પૂર્ણ થાય તેના ૩૬ કલાક પહેલાં જ વોટર ઓપરેશન વિભાગના એડીશનલ ઈજનેર યશપાલ પ્રભાકરે અચાનક જ ટેન્ડરમાં જાહેર કરેલી અમુક કંપનીઓના નામ રદ કરતા કોન્ટ્રાકટરોમાં ખળભળાટ મચી ગયો છે.
સુત્રોનું માનીએ તો વોટર ઓપરેશન વિભાગના આ એડીશનલ અધિકારીએ વાલ્વ માટે જાહેર કરેલી ઉપાધ્યાય, હવા, કેજરીવાલ તેમજ પંમ્પ માટે જાહેર કરેલી વીલો અને ડબલ્યુપીઆઈએલ અને ટ્રાન્સફોર્મર માટે પાવર લાઈટ નામની કંપનીઓની બનાવટ ટેન્ડરમાંથી દુર કરી છે. પંમ્પ માટે જયોતિ, ફલોમોર તથા કિલોસકરના નામ યથાવત રાખવામાં આવ્યા છે.
જયોતિ અને કિલોસકર કંપનીના ભાવ અન્ય કંપની કરતા ઉંચા રહે છે તેથી પંમ્પમાં ફલોમોર કંપની સાથે સેટીંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહયા છે. જયારે ટ્રાન્સફોર્મરમાં વોલટેમ અને ટીએનઆર કંપનીના નામ યથાવત રાખ્યા છે. સામાન્ય રીતે આ રીતે એમેન્ટેન્ટ જાહેર કરતાં પહેલા કમિશનરની મંજુરી લેવી જરૂરી છે પરંતુ આ કેસમાં એડીશનલ અધિકારીએ કમિશનરની મંજુરી લેવાની દરકાર રાખી ન હોવાના આક્ષેપ થયા છે.
મ્યુનિ. કોર્પોરેશનના ૧૮૮ વો.ડી. સ્ટેશન પૈકી ૧પ૦ વો.ડી. સ્ટેશનમાં એડીશનલ અધિકારી યશપાલ પ્રભાકરે જે બ્રાન્ડ રદ કરી છે તેનો વપરાશ થયો છે અથવા તો થઈ રહયો છે જે પૈકી કોઈપણ બ્રાન્ડમાં ફરિયાદ નથી. સામાન્ય રીતે કોઈ બ્રાન્ડ રદ કરવાની હોય ત્યારે તેની સામે કોઈ ફરિયાદ હોય કે પછી ઉત્પાદકો તરફથી સારી સર્વિસ ન મળતી હોય તેવા કારણો ધ્યાનમાં લેવામાં આવે છે
પરંતુ અહીં શહેરના પૂર્વ પટ્ટાના વો.ડી. સ્ટેશનોમાં આ તમામ બ્રાન્ડોનો ઉપયોગ થઈ રહયો છે અને તેમાં કોઈપણ ફરિયાદ નથી. જયારે પશ્ચિમ પટ્ટાના એડીશનલે પોતાની મનમાની કરીને આ તમામ બ્રાંડને ટેન્ડરમાંથી રદ કરી તેથી લાઈટ વિભાગની જેમ વોટર ઓપરેશન વિભાગના એડીશનલ સામે પણ વિજીલન્સ તપાસની માંગણી થઈ રહી છે.