અમદાવાદની NIDના વિદ્યાર્થીઓની કરામત: 3D પ્રિન્ટિંગ ટેકનોલૉજીનો ઉપયોગ કરીને એગ્રિકલ્ચર વેસ્ટમાંથી બુક શેલ્ફ બનાવી

સમગ્ર દેશમાંથી પસંદ થયેલી ૧૨ ટીમમાંથી પ્રથમ ક્રમ હાંસલ કર્યો
માછલીઓ ઉપરનાં ભીંગડાં(સ્કેલ્સ)ની ડિઝાઇન પરથી બનાવી હોઈ, બુકશેલ્ફને સ્કેલ્ક્યુઅન્સ નામ આપ્યું
Ahmedabad, અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન-NIDના વિદ્યાર્થીઓએ ક્રેસ્ટ કંપની આયોજિત એગ્રિક્રાફ્ટ સ્પર્ધામાં 3D પ્રિન્ટિંગ ટેકનોલૉજી દ્વારા પરાળી જેવા એગ્રિકલ્ચર વેસ્ટ અને અન્ય મટિરિયલમાંથી બનાવેલા બોર્ડને ડિઝાઇન કરીને સ્કેલ્ક્યુઅન્સ નામની બુક શેલ્ફ બનાવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
એન.આઈ.ડી.ના બેચલર્સ ઇન ડિઝાઇનમાં ફર્નિચર ઍન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનનો અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓ- આશ્રય સચાન, રિદ્ધિમા પાંડે, કવીશ લાઈન્સવાલા અને આર્યમાન ભગાડેએ તેમની ટીમને ‘ગ્રીન મંકી’ નામ આપ્યું છે.
આ અંગે ‘ગ્રીન મંકી’ ગ્રૂપના વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાંથી કુલ ૧૨ ટીમ સિલેક્ટ થઈ હતી જેમને રિક્રિએટ, અર્બન પ્લાન્ટર અને બાયો મિમિક્રી એમ અલગ-અલગ ત્રણ કેટેગરીમાં ટાસ્ક આપવામાં આવ્યા હતા. જે એક મહિનામાં પૂરું કરવાનું હતું. જેમાંથી ગ્રીન મંકી ટીમ દ્વારા માત્ર સાત દિવસમાં ‘બાયો મિમિક્રી’ એટલે કે પર્યાવરણના કોઈ તત્ત્વ-પરિમાણમાંથી પ્રેરણા લઈને આ ડિઝાઇન બનાવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે કોમ્પિટિશનની થીમ નેચરબેઝ્ડ હતી. જેથી માછલીઓ ઉપરનાં ભીંગડાં(સ્કેલ્સ)ની ડિઝાઇન પરથી વિચાર આવ્યો હોઈ, સ્કેલ્ક્યુઅન્સ નામ આપ્યું છે. આર્કિટેક્ચર્સ પાસે ખૂબ મોટી મોટી બુક્સ હોય છે. જેથી તેમને વ્યવસ્થિત સાચવવામાં પડતી અગવડતા દૂર કરવા આ પ્રોડક્ટ બનાવી છે. આ બુક શેલ્ફ ૧૨ એમએમ જાડી, ૫ ફૂટ લાંબી અને ૪ ફૂટ ઊંચી છે. જે ઓછામાં ઓછા ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધીમાં તૈયાર કરી શકાય છે.
આ બુક શેલ્ફ માટે 3D પ્રિન્ટિંગ ટેકનોલૉજીનો ઉપયોગ કરાયો હોવાથી જગ્યા અને જરૂરિયાત પ્રમાણે બુકશેલ્ફ્ને કસ્ટમાઈઝ્ડ કરીને બુકને આડી/ઊભી તેમજ અન્ય વિવિધ ક્રિયેટિવ રીતે ગોઠવી શકાય છે, જે તેનું આગવું પાસું છે.
આ ડિઝાઇન તૈયાર કરવા માટે ટીમને ૩૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ અને ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.