અમદાવાદમાં સાધારણ વરસાદમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા
(એજન્સી)અમદાવાદ, આજે સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નરોડા વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે. નરોડા ગેલેક્સી સિનેમા રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી છે. સોલા, સાયન્સ સિટી, ગોતા, શાહીબાગ, ઘાટલોડિયા અને રાણીપ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પર પણ વરસાદ નોંધાયો છે. પૂર્વ અમદાવાદમાં બાપુનગર, નારોલ, ઓઢવ, વસ્ત્રાલ અને નિકોલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. શહેરના મધ્ય વિસ્તારોમાં રાયપુર,
ગીતા મંદિર, આસ્ટોડિયા, જમાલપુર, પાલડી અને જીવરાજ પાર્ક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી છે. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને બંધ કરવામાં આવ્યો છે. રામાપીર ટેકરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. આ પરિસ્થિતિને લઈને સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ ટીકા કરતા કહ્યું છે કે સામાન્ય વરસાદમાં જ શહેરની આ સ્થિતિ થાય છે, તો ભારે વરસાદમાં શું થશે?
મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આ પરિસ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. શહેરના ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવાની માંગ ઊઠી છે.