Western Times News

Gujarati News

પીરાણા ડમ્પસાઇટ પર 1.75 લાખ વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક તૈયાર કરાશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે AMC દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

વધુ ઓક્સિજન આપતાં ૧ લાખ ૭૫ હજાર વૃક્ષો વાવીને AMCએ વડાપ્રધાનશ્રીને જન્મ દિવસે એક મોટી ભેટ આપી છે
વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં શરૂ કરેલ સેવાયજ્ઞ અને વિકાસ યાત્રા તેજ ગતિએ આગળ વધારી રહ્યા છીએ

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ વર્ષો પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ક્લાઇમેટ ચેન્જનો અલગ વિભાગ શરૂ કર્યો હતો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હરિયાળું અમદાવાદના સંકલ્પ સાથે મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત પીરાણા ડમ્પસાઇટ નજીક વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષ વાવીને કરાયો હતો.

આ પ્રસંગે ઉદબોધન કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલાં ઉપસ્થિત સૌને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે વધુ ઓક્સિજન આપતાં એક લાખ ૭૫ હજાર વૃક્ષો વાવીને કોર્પોરેશને (AMCએ) વડાપ્રધાનશ્રીને જન્મદિવસે એક મોટી ભેટ આપી છે.

વધુમાં મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ એક વિઝનરી નેતા છે, તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે જે સેવાયજ્ઞ અને વિકાસ યાત્રાની શરૂઆત કરાવી હતી એને આપણે તેજ ગતિએ આગળ વધારી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના મહામારીમાં આપણે સૌ ઓક્સિજન અને કુદરતનું મહત્ત્વ વધુ સારી રીતે સમજ્યા છીએ. કુદરતનું સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ક્લાઇમેટ અંગે ચિંતા કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ વર્ષો પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ક્લાઇમેટ ચેન્જનો અલગ વિભાગ શરૂ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે. કુદરતનું શોષણ અટકાવીને સંતુલન જાળવી રાખવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું, એમ મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે AMC દ્વારા હરિયાળું અમદાવાદના સંકલ્પ સાથે ‘મિશન મિલિયન ટ્રીઝ’અંતર્ગત પીરાણા ડમ્પસાઇટ પર એક લાખ ૭૫ હજાર વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડે.મેયર શ્રી ગીતાબહેન પટેલ, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, અમદાવાદ મ્યુનિ. કમિશનર લોચન સેહરા, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, એએમસીના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.