અમદાવાદમાં મોડી રાતે પોલીસનું કોમ્બિંગ
ર૦૦થી વધુ કારમાં લાગેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં
(એજન્સી)અમદાવાદ,શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ નીચો કરવા માટે પોલીસ હવે દબંગ બની ગઈ છે. મોડી રાતે પોલીસ શહેરમાં ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધરીને ગુનેગારોને અંડરગ્રાઉન્ડ થવા પર મજબૂર કરી દીધા હતા. ઈન્ચાર્જ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત પોલીસની ટીમ મોડી રાતે મેદાનમાં ઉતરી હતી અને રસ્તા પર શોબાજી કરતાં વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. પોલીસે ર૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી હતી
જ્યારે છરી, ચપ્પા જેવા સંખ્યાબંધ હથિયાર જપ્ત કર્યા હતા. આ સિવાય દારૂની બોટલો લઈને જતા નબીરાઓને પણ ઝડપી લીધા હતા. ફેન્સી નંબર પ્લેટ તેમજ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરનાર વાહનચાલકોને પણ દંડયા હતા.
નહેરૂનગર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક થયેલી હત્યાની બે ઘટના બાદ શહેર પોલીસ એકશન મોડ પર આવી ગઈ છે અને ગુનાખોરીના ગ્રાફને કંટ્રોલમાં કરવા માટે મેદાનમાં ઉતરી છે. પોલીસે રાતે નવ વાગ્યાથી લઈને ૧ર વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજર સહિતના અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા.
પોલીસની આ કામગીરી જોઈને ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી જવા માટે મજબૂર બન્યા હતા. આ મામલે ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરીએ જણાવ્યું છે કે, મોડી રાતે ર૦૦થી વધુ કારની બ્લેક ફિલ્મ ઉતારી લેવાઈ છે તથા સંખ્યાબંધ હથિયારો જપ્ત કર્યા છે. દારૂ લઈને જતા લોકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં પોલીસે સપાટો બોલાવ્યો છે.
મોડી રાતે ડીસીપી ઝોન પની હદમાં આવતા વિસ્તારોમાંથી પોલીસે ૩૪ હથિયાર જપ્ત કર્યા છે જ્યારે દારૂના પપ કેસ કર્યા છે. આ સિવાય પાંચ તડીપાર કર્યા છે અને ૧૦૮ વાહનો ડીટેઈન કર્યા છે જ્યારે એક વોન્ટેડ આરોપીને પણ ઝડપ્યો છે, મોટર વ્હીકલ એકટના પણ ૧પ કેસ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બે હત્યાની ઘટના સામે આવતા પોલીસ કમિશનર જી.એસ.મલિકે બે પીઆઈને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. એલિસબ્રિજ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સસ્પેન્ડ થતાં પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો. શહેરને ક્રાઈમ મુક્ત રાખવા માટે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સહિતની પોલીસની ટીમોએ મોડી રાતે કોમ્બિંગ હાથ ધર્યું હતું.
જેસીબી, ડીસીપી સહિતના પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતના લોકોએ મોડી રાતે ચેકિંગ કર્યું હતું અને પેટ્રોલિંગ પણ કર્યું હતું. પેટ્રોલિગ દરમિયાન કેટલાક વાહનચાલકોને પોલીસ કર્મચારીઓ સાથે બબાલ પણ થઈ હતી. મોડી રાતે એસજી હાઈવે પર પોલીસે કિલ્લેબંધી કરી દીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિતના અધિકારીઓ એસજી હાઈવે પર આવી ગયા હતા. ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી સિંધુ ભવન રોડ ઉપર આવીને કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ કાઢતા નજરે ચઢયા હતા. પોલીસ કર્મચારીઓ સાથે તકરાર કરતાં લોકોનું વીડિયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું હતું
જ્યારે બોડીવોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ ગુનાખોરીને કંટ્રોલ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ ઠેર ઠેર સતત પેટ્રોલિંગ કર્યું હતું અને શકમંદોની પૂછપરછ કરી હતી. આ સાથે ગુનાખોરી સાથે સંકળાયેલા તત્ત્વોને કડક ભાષામાં ચીમકી પણ આપી દીધી હતી.