Western Times News

Gujarati News

અમદાવાદ પોલીસની ઝુંબેશ ‘એક જાગૃત વિદ્યાર્થી = એક જાગૃત પરિવાર’

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓને e-FIR પ્રોજેક્ટ વિશે જાગૃતતા વધારવા યોજાયો સેમિનાર

યુવાવર્ગના સંપર્ક અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ગુનાખોરીને ડામવા અમદાવાદ પોલીસને સાંપડ્યો વિદ્યાર્થીઓનો સાથ

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોન્ચ થયેલા e-FIR પ્રોજેક્ટને વેગવંતો બનાવવા માટે અમદાવાદ પોલીસે બીડું ઝડપ્યું છે. રાજ્ય પોલીસ વડાના પરિપત્ર બાદ અમદાવાદ શહેર ઝોન-1ના વિવિધ પોલીસ મથકકક્ષાએ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

વાહન અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં ત્વરિત કાર્યવાહી માટે e-FIR પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 08/08/2022ના રોજ સવારે 10:30થી 12:00 દરમિયાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી વર્ગમાં e-FIR પ્રોજેક્ટ વિશે જાગૃતતા વધે તે હેતુથી વાડજ પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. યુવાનોને તેમની જ ભાષામાં સમજાવી શકાય તે માટે  e-FIR પ્રોજેક્ટ વિષયક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટ પર બનેલી ખાસ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.

જેમાં e-FIR ક્યા સંજોગોમાં થઈ શકે, e-FIR કેવી રીતે કરવી, E -FIR નોંધાવ્યા બાદની પ્રક્રિયા શું હોય છે, આ તમામ બાબતોથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.

‘એક જાગૃત વિદ્યાર્થી બરાબર એક જાગૃત પરિવાર’ અભિગમ સાથે પોલીસ અધિકારીઓએ પ્રોજેક્ટ વિશે વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા દરેક સવાલનું સમાધાન થાય તે રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું. ત્યારબાદ હાજર સૌ કોઈ સિટીઝન એપ ડાઉનલોડ કરી શકે તે માટે ક્યૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ક્યૂઆર કોડના માધ્યમથી કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાના સ્ટાફે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તો Proud to be CITIZEN FIRST સેલ્ફી પોઈન્ટ પણ તમામ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આમ, પોલીસ વિભાગની આ ઝુંબેશ બાદ મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ પોતાની સાથે અથવા તો આસપાસ બનતા મોબાઈલ કે વાહનચોરીના ગુનાઓ પર તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

પીજી અથવા તો અન્ય રહેણાક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના મોબાઈલ અને વાહનચોરીના બનાવો સામે રહ્યા છે એવા સંજોગોમાં પોલીસની આ પહેલને વિદ્યાપીઠના પ્રોફેસર્સ સહિત સમગ્ર સ્ટાફે મહત્વની ગણાવી હતી. કાયક્ર્મમાં ના.પો.કમિ.ઝોન-૦૧ શ્રી લવિના સિન્હા,

ના.પો.કમિ. ટ્રાફિક શ્રી એન.એચ.દેસાઇ, મ.પો. કમિ. “બી”ડિવિઝન શ્રી એલ.બી.ઝાલા, વાડજ પો.ઈન્સ બી.એલ.વડુકર પો.સ.ઈ. આર.બી.રાજપુત  તથા પો.સ.ઇ. જે.પી.મલ્હોત્રા તથા વુ.પો.સ.ઇ. એન.એન.ચૌધરી તથા સ્ટાફ  તેમજ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી તેમજ પ્રોફેસર તથા વિર્ધાથીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.