કોલકાતા રેપ વિથ મર્ડર કેસથી અમદાવાદ પોલીસ એલર્ટઃ મોડી રાત્રે પેટ્રોલિંગ
દારૂના તમામ અડ્ડા બંધ કરવાની સૂચનાઃ હોસ્પિટલ તેમજ કોર્પાેરેટ કંપનીઓ પર પોલીસની ચાંપતી નજર
(એજન્સી)અમદાવાદ, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસના પડઘા આખા દેશમાં પડ્યા છે. કલંકિત કરતી આ ઘટનામાં ચારેકોર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ આવી કોઈ ઘટના બને નહીં તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
નશો કરીને હેવાનો આવાં કૃત્ય આચરતા હોવાના કારણે પોલીસે ઠેર ઠેર દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે.
શહેરમાં ચાલતા નશાના કારોબાર પર પોલીસે ફૂલસ્ટોપ લગાવી દીધું છે અને ઠેર-ઠેર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા પર પોલીસ સતત રેડ કરી રહી છે, જ્યારે અવાવરું જગ્યા પર બેઠેલાં યુગલ ઉપર પણ પોલીસ વોચ રાખી રહી છે.
કેટલાક લોકો બળાત્કાર, છેડતી, હત્યા જેવા ગંભીર પ્રકારના ગુના નશાની હાલતમાં કરતા હોવાનું પોલીસ અધિકારીઓનું માનવું છે. નશેડીઓ જ્યારે કોઈ પણ જાતનો નશો કરે ત્યારે તે હેવાનિયતની કોઈ પણ હદ વટાવી દેતા હોય છે.
શહેરમાં જો નશાનો કાળો કારોબાર બંધ થઈ જાય તો કેટલીક હદ સુધી હેવાનોની હેવાનિયતને રોકી શકાય તેમ છે. કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાના ચકચારી કિસ્સા બાદ ગુજરાતમાં મોટા ભાગની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોએ તેને સમર્થન આપ્યું છે.
બીજી તરફ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસ સતત રેડ કરી રહી છે. આ સાથે કેટલાક પોલીસ કર્મચારીઓએ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પણ બુટલેગરોને આદેશ આપી દીધા છે. આજે રક્ષાબંધન છે ત્યારે આવનારા દિવસોમાં સાતમ-આઠમ સહિતના તહેવારો પણ આવી રહ્યા છે. તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે.
પોલીસે શહેરમાં તમામ દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે તેમજ ઠેર ઠેર દારૂ તેમજ પીધેલાના કેસો પણ કરી રહી છે. પોલીસ સિંઘમ બનીને ત્રાટકી રહી છે ત્યારે બુટલેગરો પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.