ટ્રાફિક પોલીસના મેમોથી બચવાં નંબર પ્લેટ સાથે ચેડા કર્યા હોય તો ચેતી જજો
ફેન્સી નંબર પ્લેટ અને લખાણ લખેલા વાહનો પર ટ્રાફિક પોલીસની તવાઇ-પોલીસ દ્વારા અલગ-અલગ ડ્રાઇવ કરવામાં આવે છે-વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના રહેશે: આવા કોઇ પણ વાહનચાલકો હશે તેને પોલીસ છોડશે નહિ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ-અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે.
આવા જ વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસે શનિવારે એક જ દિવસમાં ૧૨૩ વાહનો ડિટેઇન (123 vehicles detained) કર્યા હતા. ટ્રાફિક ઇસ્ટ પોલીસે આ તમામ લોકો સામે મોટર વ્હીલક એક્ટ મુજબ કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા. Ahmedabad Police traffic drive number plate
અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ-અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે. સાથે જ નંબર પ્લેટ પણ આરટીઓના નિયમ વિરૂદ્ધ રાખી તેની પર પણ કેટલાક લખાણ લખી ફરતા હોય છે. ઘણા સમયથી આવા વાહનચાલકો ફરતા હોવાની ફરિયાદો ધ્યાને આવતા ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસન (DCP safin hasan) દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી હતી.
જેમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ-અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ વાહનો કુલ-૧૨૩ ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે, વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના રહેશે. આવા કોઇ પણ વાહનચાલકો હશે તેને પોલીસ છોડશે નહિ અને તેની સામે કાર્યવાહી કરશે. અગાઉ પણ ઇમેમોથી બચવા નંબર પ્લેટ પર છાણ લગાવી ફરનાર વાહનચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે લેવામાં આવ્યુ હતુ. તે જ પ્રકારની કામગિરી હવે ટ્રાફિક પોલીસ કરશે.
નોંધનીય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર અલગ-અલગ ડ્રાઇવ કરવામાં આવે છે અને જે લોકો ટ્રાફિક નિયમનું ભંગ કરે છે તે લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. મહત્વનું છે કે જે માતા-પિતા પોતાના નાના બાળકોને ગાડીઓ ચલાવવા માટે આપી દે છે તે લોકો સામે પણ કાર્યવાહી થાય છે.