અમદાવાદ દેશનું પ્રથમ શહેર જેમાં દર 500 મીટરે પ્રદુષણ સેન્સર લગાવાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત પ્રદુષણ વધી રહયુ છે. પ્રદુષણના એક્યુઆઈની જાણકારી માટે વાર્ષિક બજેટમાં સેન્સર મશીન મુકવા માટે જાહેરાત થઈ હતી જેનો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત અસારવા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળા તૈયાર કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ શહેરમાં વધેલા પ્રદુષણની જાણકારી મેળવવા માટે તેમજ પ્રદુષણથી નાગરિકોને સાવચેત કરવા માટે હાલ ૧૦ જેટલા વિસ્તારમાં મશીન મુકવામાં આવ્યા છે.
નાણાંકિય વર્ષ ર૦ર૪-રપના બજેટમાં મોટી માત્રામાં સેન્સર મશીન મુકવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો જેનો અમલ હવે કરવામાં આવશે. શહેરના તમામ જંકશનોથી પ૦૦ મીટરના અંતરે સેન્સર મશીન મુકવામાં આવશે. આ પ્રકારનું મશીન મુકનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર બનશે.
શહેરના અસારવા વિસ્તારમાં ફોરેન્સીક લેબોરેટરીથી ટાટાનગર સુધી વરસાદી પાણીનો ભરાવો થાય છે જેના નિકાલ માટે હયાત વરસાદી નાળાને લંબાવવામાં આવશે. અહીં ઉપલબ્ધ જમીન કલેકટરના તાબામાં હોવાથી તેને સંપાદન કરવાની રહેશે.
રાણીપ વોર્ડમાં ટુંક સમયમાં જ ગજરાજ પંપીગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે તેથી આ વિસ્તારના રહીશોને નર્મદાના પાણી મળી રહેશે. ગોતા ખાતે તૈયાર થનાર લોટસ પાર્કની ડીઝાઈન તૈયાર થઈ ગઈ છે અને તેનું કામ પણ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.