પ્રયાગરાજથી અમદાવાદ આવી રહેલા યાત્રાળુઓની બસને અકસ્માત

અમદાવાદના ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાળવડાંની દુકાનના માલિક અમિતભાઈ ચંદેલના પુત્ર ઓમનો જમણો હાથ કપાઈ ગયો
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં ગયેલા અને ત્યાંથી પરત ફરી રહેલા ગુજરાતના યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે.
રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર ગોતામાં આવેલી અંબિકા દાલવડાની દુકાનના માલિકના 10 વર્ષીય પુત્રનો હાથ કપાયો છે, જ્યારે અન્ય 27 લોકો ઘાયલ થતાં તેમને રાજસંમદ રિફર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં રહેતા અને ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાળવડાં નામે દુકાન ધરાવતા અમિતભાઈ ચંદેલ અને તેમનાં પરિવારજનો
બસમાં પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હતા. બસમાં સવાર તમામ 48 યાત્રિક તેના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તમામ લોકો ઊંઘી રહ્યા હતા. અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ચંદેલ પરિવારના પૈતૃક ગામથી 40 કિમી દૂર જ્યારે બસ હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં આ પહેલાં પણ અકસ્માત થઈ ચૂક્યા છે. તમામ યાત્રિકોએ પ્રયાગરાજથી પરત ફરી સાંવરિયા શેઠનાં દર્શન પણ કર્યાં હતાં.
ત્યાર બાદ તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના છે. બસમાં સવાર યાત્રિક આકાશ બોરાણાએ જણાવ્યું હતું કે બસમાં લોકો ઊંઘી રહ્યા હતા.
કોઈને કંઈ ખબર જ ન પડી. ઢાળ ઊતરતા સમયે અકસ્માત થયો. બે બાળકોને ગંભીર ઈજા થઈ છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાળવડાંની દુકાનના માલિક અમિતભાઈ ચંદેલના પુત્ર ઓમનો જમણો હાથ કપાઈ ગયો છે, જ્યારે અન્ય ઘાયલોને રાજસમંદ લઈ જવામાં આવ્યા છે.