અમદાવાદ રેલવે મંડળ દ્વારા રાષ્ટ્રીય રમતગમત દિવસનું આયોજન કરાયું
દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા 29 ઓગસ્ટ 2022ને રાષ્ટ્રીય રમત દિવસ (નેશનલ સ્પોર્ટ્સ ડે) તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 29.08.2022 (સોમવાર) ના રોજ મંડળ ખેલકૂદ સંઘ દ્વારા મંડળ કાર્યાલયના પરિસરમાં “ટગ ઓફ વોર” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, આ સ્પર્ધામાં મંડળની ઓપરેટિંગ,કોમર્શિયલ, એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ડીઝલ શેડ સાબરમતી, ડીઝલ શેડ વટવા, એકાઉન્ટ્સ, પર્સનલ, સ્ટોર એન્ડ જનરલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને મેડિકલ વિભાગની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો.
જેમાં દરેક વિભાગના 8 મુખ્ય ખેલાડીઓ અને 4 સ્ટેન્ડબાય ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ફાઈનલ મેચ સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરની ટીમ અને સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયરની ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરની ટીમ વિજેતા રહી હતી.
અમદાવાદ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ અને ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી જૈને આયોજિત રમતોત્સવમાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ તમામ રેલ્વે કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિજેતા ટીમ તથા દ્વિતીય વિજેતા ટીમને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.