Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે મંડળ ખાતે ‘International Women Day 2023’ ઉત્સાહપૂર્વક ઉજવાયો

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદના અધ્યક્ષા શ્રીમતી ગીતીકા જૈનના નેતૃત્વ  હેઠળ અમદાવાદ મંડળની મંડલ ઓફિસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ની થીમ “ડિજિટલ ઓલ (Digit ALL): ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર જેન્ડર ઈક્વેલિટી”.છે.

આ કાર્યક્રમ દરમિયાન, મંડલ ઓફિસમાં વુમન એમ્પાવરમેન્ટ પર એક ડોક્યુમેન્ટરી , સાંસ્કૃતિક કાર્યક્રમ, સિંગીંગ, ડાંસ, મિમિક્રી, કવિતા અને શાયરી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્ય પર આયોજિત સેમિનારમાં ડૉ.એકતા વાલા ચંદારાણા સિવિલ હોસ્પિટલ, અમદાવાદએ  સર્વાઈકલ,ગર્ભાશય વગેરે મહિલા  સંબંધિત  કેન્સર અંગે પ્રવચન આપ્યું હતું. તથા નૂતન મેડિકલ કોલેજની એમબીબીએસની વિદ્યાર્થીઓ દ્વારા  માસિક ધર્મ પર એક ટોક શો યોજવામાં આવ્યો હતો.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓ પોતાને એવી રીતે પ્રદર્શિત કરવામાં સક્ષમ થઈ છે કે લોકોની માનસિકતા સમાજમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા કાર્યને ઓળખવા માટે બદલાઈ રહી છે.

આ ઉજવણી મહિલાઓના અધિકારો, યોગદાન, શિક્ષણ અને તેમના કેરિયરની તકો વગેરે વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. અમદાવાદ મંડળ ખાતે પણ મહિલા રેલવે કર્મીઓ પણ  પુરુષ કર્મચારીઓ સાથે ઉત્તમ કાર્ય કરી રહેલ છે. ટ્રેન ચલાવવાથી લઈને તે ભારે કામગીરી પણ સક્ષમ રીતે  કરી રહી છે.

આ પ્રસંગે  શ્રીમતી ગીતીકા જૈને જણાવ્યું હતું કે માત્ર ભારતીય સમાજમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં મહિલાઓની ભૂમિકા હંમેશાં ખૂબ મહત્વપૂર્ણ રહી છે, પછી ભલે આપણે પરિવારની વાત કરીએ કે સમાજની, રાજકારણ કે પછી અર્થતંત્રની મહિલાઓ દરેક સ્થાન પર તેની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવતી આવી છે.

સંતાનને જન્મ આપીને જનની તરીકે પાલનપોષણ કરતાં  તે માર્ગદર્શિકા તરીકે,  ગુરુ તરીકે, નવા સમાજની નિર્માણમં  પાયા તરીકે હંમેશા હાજર રહી છે. ભારત જેવા પુરુષ પ્રધાન  દેશમાં પણ મહિલાઓએ તેમના કુશળ કાર્યથી પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. આજે મહિલાઓ પુરુષો સાથે ખભે થી ખભો મિલાવીને ચાલે છે. આજે વિશ્વનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓએ પોતાને સાબિત ના કરી હોય. મહિલાઓએ દરેક ક્ષેત્રમાં તેમની પ્રતિભાનો પરચો  આપ્યો છે.

આ કાર્યક્રમ શ્રીમતી ગીતીકા જૈન દ્વારા દરમિયાન મંડલ ખાતે કાર્યરત 37 મહિલા કર્મચારીઓને તેમના દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્ય માટે મોમેન્ટો અને પ્રમાણપત્રો પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઓન લાઇન દ્વારા નિબંધ અને સ્લોગન લેખન સ્પર્ધા  યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હર્ષદ વાણિયાના માર્ગદર્શન હેઠળ કાર્મિક વિભાગની વેલ્ફર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.