અમદાવાદ મંડળ પર રેલવે સ્ટેશન, ટ્રેનો અને ઓફિસોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 17 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર 2024 દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા 2024’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ, 30 સપ્ટેમ્બર 2024 ના રોજ રેલ્વે સ્ટેશનો, ટ્રેનો અને ઓફિસોમાં વ્યાપક સ્વચ્છતા અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, પાલનપુર, મહેસાણા, હિંમતનગર, ગાંધીધામ અને અન્ય રેલવે સ્ટેશનો પર ટ્રેનો, રેલવે ટ્રેક અને ઓફિસ પરિસરની સફાઈ કરવામાં આવી હતી. મંડળ રેલ પ્રબંધક ની ઓફિસમાં કાર્મિક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરી ઓફિસ અને તેની આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી.
29 સપ્ટેમ્બર 2024 ના રોજ, રેલ્વે સ્ટેશનો પર બેઝ કિચન, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને ફૂડ ટ્રોલીની ખાસ સફાઈ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, અમદાવાદ, અસારવા અને વિરમગામ સ્ટેશન પર આરોગ્ય નિરીક્ષકો અને વાણિજ્ય નિરીક્ષકો દ્વારા ટ્રેનોમાં ફૂડ સ્ટોલ, બેઝ કિચન, કેન્ટીન અને પેન્ટ્રીકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુસાફરો, વિક્રેતાઓ અને રેલવે કર્મચારીઓને સ્વચ્છ ખોરાક અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.