અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા
અમદાવાદ, લાંબા વિરામ બાદ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે આગે સે ચલી આતેએની જેમ આ વખતે પણ થોડા વરસાદમાં જ અમદાવાદના અનેક માર્ગો જળમગ્ન બન્યા છે અને નાગરિકોએ એ જ પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને શહેરમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે અડધા ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક માર્ગો પર પાણી ભરાયા છે. મકરબા વિસ્તારની વાત કરીએ તો મકરબા પોલીસ હેડ ક્વાર્ટર નજીકનો સમગ્ર રસ્તો જળમગ્ન બન્યો છે.
અહીં વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારતા રસ્તા પર ગટરના પાણી પણ ફરી વળ્યા હતા. વરસાદી પાણી અને ગટરના પાણી ભળતા સમગ્ર માર્ગ જાણે જળમગ્ન બન્યો હતો. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સમગ્ર માર્ગ પર પાણી ભરાઈ જતા અનેક ટુવ્હીલર વાહનો બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાણી વચ્ચે વાહનો બંધ થઈ જતા દુર્ગંધ મારતા પાણીમાંથી લોકો ચાલવા મજબુર બન્યા છે. વેજલપુરથી મકરબા સુધીના આ રોડ પર દર ચોમાસે આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને લોકોને પારાવાર હાલાકી વેઠવી પડે છે.
દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીના નામે મસમોટા દાવા કરતી મહાનગરપાલિકા શહેરમાં પાણીના નિકાલનું યોગ્ય આયોજન કરી શક્તી નથી. થોડા વરસાદમાં જ ઠેકઠેકાણે રોડ બેસી જવા, પાણી ભરાવા, ગટરો બેક મારવી જેવી સમસ્યાઓ જાણે હવે ચોમાસામાં રોજિંદી બની ગઈ છે.
હવે તો ગુજરાત હાઈકોર્ટે પણ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા મુદ્દે ખુદ સંજ્ઞાન લઈ મહાનગરપાલિકાને ફટકાર લગાવી હતી. કોર્ટે અમ્યુકોને માર્મિક ટકોર કરી હતી કે યોગ્ય મોનિટરીંગ નહીં હોવાથી થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ જાય છે અને નાગરિકો હેરાનપરેશાન થઈ જાય છે.