Western Times News

Gujarati News

હું અમદાવાદનો રીક્ષાવાળો… પૂરે પૂરો ભરોસાવાળો

પ્રતિકાત્મક

શટલિયાઓ પર પોલીસની તવાઈ: શટલ બંધ થશે તો લોકો ઘરે કઈ રીતે પહોંચશે ? ત્રણ પેસેન્જરો સાથે છૂટ આપવા ઉઠતી માંગ

આ… શટલવાળા હોંશિયાર ખરા, પરંતુ ધીમે ચલાવવાનું કહો તો ગુસ્સે પણ થાય ખરા..

(પ્રતિનિધિ) અમદાવાદ, “હું અમદાવાદનો રીક્ષાવાળો” ગુજરાતી ફિલ્મ માં-બાપનું આ ગીત આજે પણ શહેરમાં ફરતી રીક્ષાઓને જોઈને યાદ આવી જાય. અમદાવાદના રીક્ષાવાળા આમ તો શાંતપ્રકૃતિનો માણસ, ઈમાનદારીથી બે ટાઈમ રોટલા રળવાવાળો માણસ, હજુય લોકોને શહેરના રીક્ષાવાળાઓ પર ભરોસો પૂરેપૂરો એટલે જ લાલબસમાં બેસવાની જગ્યાએ રીક્ષામાં બેસે છે. અહીંયા મીટર રીક્ષાવાળાની સાથે આપણે શટલિયાવાળાઓની વાત કરવાની છે.

શટલ રીક્ષાવાળાઓ પર હાલમાં પોલીસ તવાઈ ચાલી રહી છે મણીનગર રેલ્વે સ્ટેશનની બહાર, બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ સામે ઉભા રહેતા શટલ રીક્ષાવાળાઓ પોલીસથી ફફડી ઉઠયા છે પોલીસ ઉભી હોય એટલે શટલભરવુ લગભગ અશક્ય થઈ જાય. એટલે હવે તો શટલ રીક્ષાવાળા જેટલા પેસેન્જર મળે તેનો સ્વીકાર કરીને રીક્ષા ભગાવી મુકે છે.

શટલ રીક્ષા ચલાવવી ગેરકાયદેસર છે પરંતુ હકીકત એ છે કે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં જવું હોય તો બસની પહેલા શટલિયા મારફતે ઝડપથી પહોંચી જવાય છે હોં, એક જોખમ ખરૂ, શટલ રીક્ષાવાળા બધી બાબતમાં હોંશિયા પરંતુ રીક્ષા ધીમી ચલાવવા શિખામણ આપો તો “શેઠની શિખામણ ઝાંપા સુધી” વર્તન કરશે. અમે વર્ષોથી રીક્ષા ચલાવીએ છીએ તમને આમાં કંઈ ખબર ન પડે.

મણીનગર રેલ્વે સ્ટેશન પાસેથી વિવેકાનંદનગર જવા માટે લોકો શટલ રીક્ષાનો ઉપયોગ વધારે કરે છે. નગર સુધીના રૂ.રપ, તો જશોદાનગર ચોકડીના ૧૦ રૂપિયા, રામોલ, ત્રિકમપુરા આ તમામ સ્થળોએ થઈ હાથીજણ સર્કલથી છેક નગર સુધી રીક્ષાઓ ચાલે. સલામત સવારીની બાબતમાં એ.એમ.ટી.એસ સુપર-ડુર પરંતુ એના ટાઈમીંગ ક્યાં છે

ઉદાહરણ તરીકે મણીનગરથી વિવેકાનંદનગર જવા માટે રાત્રે ૮ વાગ્યા પછી ૮.રપની એમ બે જ બસ પછી આવનારા માટે હરી ફરી હવે જે લોકો આ બાજુ રહે છે તે ૮.૩૦ વાગ્યે આવે તો ઘર કઈ રીતે જાય ! મીટરથી રીક્ષા કરે તો લગભગ રૂ.૧રપ થી ૧પ૦ આવે. મધ્યમ-ગરીબ વર્ગના લોકોને ટૂંકા પગારમાં આટલી રકમ કઈ રીતે પોષાય. વળી આ બે બસોમાં તો પેસેન્જરો કિડિયારાની મફાક ભરવામાં આવે છે.

બેસવાની જગ્યા મળે તો નસીબ બાકી ભોગ તમારા ઉભા-ઉભા પોણો કલાક જવુ પડે જે લોકો રૂપિયા ખર્ચે છે તેનો વાંક-ગુનો શું ? એરકન્ડીશનમાં બેસતા આપણા અધિકારીઓ નેતાઓએ સ્થળ પર જઈ આ બધુ જોવુ પડે. એક તરફ મેગાસીટીના બણગાં ફૂંકવામાં આવે અને બીજી તરફ રાત્રે ૮.૩૦ પછી ઘરે જવા કોઈ બસ નહી ? જે બસોના રૂટ ખાલી પડયા છે તેને ડાયવર્ટ કરી ન શકાય ?

અરે આવા રૂટો શોધીને ડ્રાઈવર-કંડકટરને ફરજના ભાગરૂપે ઈન્સેટીવ આપો તો બસો દોડશે. લોકો ચાલશે અને તો જ તંત્ર ચાલશે. શટલ રીક્ષાઓ ત્રણ પેસેન્જર સાથે ચાલુ રાખવા દેવી પડશે નહી તો હજ્જારોની સંખ્યામાં નોકરીથી મોડા છૂટતા પેસેન્જરો જશે ક્યાં ?

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.