5 વર્ષમાં 4383 કરોડનો રોડ બનાવવા પાછળ વાપર્યા છતાં રસ્તો ખરાબ હોવાની રોજની ૧૦૦ ફરીયાદ આવે છે

પ્રતિકાત્મક
મ્યુનિ.ને પાંચ વર્ષમાં ૧.પ૩ લાખ ફરીયાદો મળી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં છેલ્લા પ વર્ષમાં મ્યુનિ. દ્વારા રસ્તાઓ બનાવવા તેને રીપેર કરવા પાછળ રૂ.૪૩૮૩.૧૬ કરોડનો ખર્ચ કર્યો છે. જોકે તેમ છતાં હજુ પણ શહેરમાં રસ્ત્ઓની હાલત ખસ્તા છે. શહેરમાં છેલ્લા પ વર્ષના સમયગાળા દરમ્યાન જ રસ્તાઓ ખરાબ હોવાની સત્તાવાર ફરીયાદ ૧.પ૩ લાખ જેટલી નોધાઈ હોવાનું મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું છે.
આ અંગેની વિગત એવી છેકે, મ્યુનિ. દ્વારા ર૦ર૦ થી ર૦ર૪–રપ સુધી રોડ પ્રોજેકટ દ્વારા ર૦૭૮ કરોડ ઝોન દ્વારા રસ્તાઓ દુરસ્ત કરવા પ૯૦ કરોડ અને સ્વર્ણીમ યોજના અંતર્ગત રાજય સરકારના બજેટમાંથી રૂ.૧૭૧૪.૮૬ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. રસ્તાઓ નવા બનાવવા દુરસ્ત કરવા માટે છેલ્લા પ વર્ષમાં કુલ ૪૩૮૩.૧૬ કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા બે વર્ષ પહેલા બજેટમાં શહેરના તમામ વોર્ડમાં ર વ્હાઈટ ટોપીગ રોડ લેખે ૯૬ જેટલા વ્હાઈટ ટોપીગ રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી.જોકે તંત્ર દ્વારા જેટલા રોરડ પણ બનાવી શકયા નથી. છેલ્લા પ વર્ષમાં આવેલી ૧.પ૩લાખ જેટલી ફરીયાદોને ધ્યાને લઈએ તો રોજનું શહેરમાં ૧૦૦ જેટલી ફરીયાદ તો રોડ ખરાબ હોવાની જ આવી રહી છે. પ્રતી વર્ષ ફરીયાદોનું પ્રમાણ પણ વધી રહયું છે.