આ કારણસર અમદાવાદમાં રોડ રિસરફેસના કામ બંધ કરવા પડે તેવી સ્થિતિ
વરસાદ બંધ થતાં એક લાખ ખાડા પૂર્યા : જયેશ પટેલ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા ખાડા અને તૂટેલા રોડના કારણે નાગરિકોને ભારે હાલાકી થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ બંધ થતા ખાડા પૂરવાની અને રોડ રીસરફેસની કામગીરી શરૂ કરી હતી જોકે કવોરી એસોસીએશનની હડતાલના કારણે ડામરનો માલ તૈયાર થઈ શકે તેમ ન હોવાથી કોર્પોરેશનનો ડામરનો પ્લાન્ટ બંધ કરવો પડ્યો છે અને રોડ રીસરફેસના કામો અટકી પડ્યા છે.
હાલ માત્ર ચાર ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે ચાર દિવસ 15 જેટલા રોડ રીસરફેસ થાય તેટલો જ માલ પડ્યો છે. જો એસોસિએશનની હડતાલ પૂર્ણ નહીં થાય તો દિવાળી પહેલા શહેરમાં રોડની કામગીરી પૂરી થઈ શકે તેમ નથી.આ ઉપરાંત ત્રણ ઝોનમાં રોડ રિસરફેસ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના કારણે એક લાખથી વધુ ખાડાઓ પડ્યા હતા. જેને પૂરી દેવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કુલ 45,747 મેટ્રિક ટન જેટલા ડામોરનો ઉપયોગ કરી તમામ ઝોનમાં રોડ અને બ્રિજ પર રોડ રીસરફેસ અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે. દરેક ઝોનમાં રોડના પેચવર્ક કરવાની કામગીરી વધારે કરવામાં આવી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં રોડ રીસરફેસ કરવા માટેના કુલ રૂ. 75 કરોડના કામ બે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા હોવાની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર મારુતિ કન્સ્ટ્રક્શન કંપની અને એપેક્સ પ્રોટેક્ટ એલએલપી નામના બંને કોન્ટ્રાક્ટરને 24.50 ટકા વધુ ભાવથી રોડ રીસરફેસ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં આ કામને તાકીદના કામ તરીકે લાવીને મંજુરી આપી દેવામાં આવી હતી.
નવરાત્રી પહેલા રોડ રીસરફેસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કવોરી એસોસિએશનની હડતાલ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન નો પ્લાન્ટ છેલ્લા બે દિવસથી બંધ કરવો પડ્યો છે અને જ્યાં સુધી માલ હતો ત્યાં સુધી રોડ રીસરફેસની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં 35 જેટલા રોડ રીસરફેસ કરવાનું પ્લાનિંગ કરીને રાખ્યું છે પરંતુ હડતાલના કારણે ડામર પ્રાપ્ય ન હોવાથી કામગીરી પૂરી થઈ શકી નથી.
RKC ઇન્ફ્રા, નરનારાયણ અને એલજી ચૌધરી નામના કોન્ટ્રાક્ટરો પાસે હાલ ચાર દિવસ સુધી ચાલે તેટલા ડામર નો માલ પડ્યો હોવા થી નિકોલ, સરખેજ સહિત ચાર થી પાંચ જેટલા વિસ્તારોમાં રોડ રીસરફેસની કામગીરી બે દિવસ સુધી ચાલશે. કવોરી એસોસિએશનની હડતાલ ચાલુ રહેશે તો રોડના કામો બંધ રહેશે. દિવાળી પહેલા રોડ રી સરફેસ ની કામગીરી પૂર્ણ કરવાની કોર્પોરેશનની તૈયારી છે પરંતુ હડતાલના કારણે કામગીરી અટકી શકે તેમ છે.