અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ બ્લાસ્ટ કેસઃ આરોપીની સેન્ટ્રલ જેલ લાવવાની અરજી ફગાવાઈ
મુંબઈની તલોજા જેલમાંથી ટ્રાન્સફરની માગ કરી હતી
અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ૭૮ આરોપી સામે ટ્રાયલ ચાલી રહી છે
અમદાવાદ, 26 જૂલાઈ, 2008ના રોજ થયેલા અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીએ મુંબઇની તલોજા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નિવેદન નોંધાવવા અંગે વિરોધ કરતા માગ કરી છે કે, તેને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવે જો કે, અમદાવાદ સ્પેશિયલ કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી છે.
સ્પેશિયલ કોર્ટના જજ એ.આર.પટેલે આરોપીની મુંબઈના તલોજા જેલમાંથી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાની અરજી ફગાવતા તેનું નિવેદન કે, જેમાં આરોપીએ જણાવ્યું છે કે, પોતે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નિવેદન નહીં આપે અને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવે આ બાબતની કોર્ટે ગંભીર નોંધ લીધી છે.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અનીક સૈયદ દ્વારા આ માગ કરવામાં આવી હતી. અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ૭૮ આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ ચાલી રહી છે. સિરિયલ બ્લાસ્ટમાં ૫૬ લોકોનાં મોત નીપજ્યા હતા. હૈદરાબાદમાં થયેલા બોંબ બ્લાસ્ટ કેસમાં હૈદ્રાબાદની સ્થાનિક કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને ત્યારબાદ સાત વર્ષથી આરોપી મુંબઈની તલોજા જેલમાં બંધ છે. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાલ સીઆરપીસીની કલમ ૩૧૩ હેઠળ નિવેદન નોંધાવવામાં આવી રહ્યું છે.
આરોપી અનિક સૈયદે તેના વકીલ તરફે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી કે, તેને મુંબઈની જેલમાંથી સાબરમતી સેન્ટ્રલ જેલ લાવવામાં આવે અને ત્યારબાદ જ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપશે. આરોપી તરફે ફરિયાદ કરવામાં આવી છે કે, તેણે આ કાર્યવાહીમાં અગાઉ હાજરી આપી નથી. આ કેસ અંગે તેની પાસે કોઈ કાગળ પણ નથી. અગાઉ અમદાવાદની કોર્ટ દ્વારા જે વોરંટ પાઠવવામાં આવ્યો હતો તે પણ જેલ સુપરિન્ટેન્ડેન્ટએ બજવ્યું ન હોવાનો આરોપી તરીકે આક્ષેપ કરવામાં આવ્યું છે. SSS