Western Times News

Gujarati News

આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા આકર્ષણો થકી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ કરાયો -શોપિંગ ફેસ્ટિવલ ૧૪ જાન્યુ. ૨૦૨૫ સુધી ચાલશે

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે આકાશમાં બ્લુન ઉડાડી શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ તકે આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા આકર્ષણો થકી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શાનદાર શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્ટોલ્સની મુલાકાત દરમિયાન આશાવલી સ્ટોલ્સ માંથી સાડી અને અકીકની ટ્રે ડિજિટલ પેમેન્ટ થકી ખરીદી કરી હતી તેમજ ટેબલ ટેનિસની રમત પણ રમી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે આ શોપિંગ ફેસ્ટિવલને લગતી ફિલ્મનું લોન્ચિંગ પણ કર્યું હતુ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલ તા.૧૪ જાન્યુઆરી-૨૦૨૫ સુધી શહેરીજનો મુલાકાત લઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૯ માં અમદાવાદ ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૪-૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ફેસ્ટિવલમાં ૪ મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લા ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ (દા.ત. અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા સીજી સ્ક્વેર, પેવેલિયન મોલ) સહિત ૧૪ નિયત હોટસ્પોટ્‌સ ખાતે આયોજિત કરાયું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઇ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અગ્ર સચિવ રાજીવ ટોપનો, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.થેન્નારસન સહિત મ્યુનિસિપાલિટીના ઉચ્ચ અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં અમદાવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વધુમાં વધુ લોકોને આકર્ષિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને ખાસ કરીને શોપિંગ ડિસ્ટ્રિક્ટ્‌સ, હોટસ્પોટ્‌સ, મહત્ત્વપૂર્ણ ઇમારતો અને પુલો પર વ્યાપક લાઇટિંગ અને સજાવટ સાથે વન્ડરલેન્ડમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. વિવિધ સ્થળો પર લાઇટ ટનલ, સેલ્ફી પોઇન્ટ્‌સ અને થીમ આધારિત લાઇટ ડેકોરેશન કરાયું છે.

મુલાકાતીઓની સગવડતા માટે એએમટીએસ ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસોને ઇવેન્ટ માટે બ્રાન્ડેડ કરવામાં આવી છે, જે શહેરના વિવિધ રુટ પર સેવા પ્રદાન કરશે, જેના થકી શોપિંગ ડિસ્ટ્રિક્ટ્‌સમાં પહોંચવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્‌લી માર્કેટ્‌સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો, શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા પઠન અને ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનિંગ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

વધુમાં, બોટ રેસિંગ, બાક્સિંગ, મેરેથોન, સાઇકલિંગ, હેપ્પી સ્ટ્રીટ ઈવેન્ટ્‌સ, રોબો ફાઈટ, ડ્રોન શો અને ફાયર શો જેવી રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. સાથે જ ખરીદદારોનો ઉત્સાહ વધારવા માટે તેઓ મહત્તમ ડિસ્કાઉન્ટનો આનંદ લઈ શકે છે, લકી ડ્રોમાં ભાગ લઈ શકે છે અને આકર્ષક ઈનામો જીતી શકે અને વિવિધ કૂપનનો લાભ લઈ શકે તે માટેનું પણ આયોજન કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.