અમદાવાદના સિંધુ ભવન ખાતે ટેનિસ અને બેડમિન્ટનનું ડેમોસ્ટ્રેશન તેમજ સ્પર્ધા યોજાઈ
AMC અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓ અને નાગરિકોને સહભાગી કરતા અવેરનેસ કેમ્પેઈનનું આયોજન
પેરિસ ઓલિમ્પિક – ૨૦૨૪ અંતર્ગત તા. ૨૬ જુલાઈ ૨૦૨૪ થી તા.૦૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન પેરિસ ખાતે સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સ યોજાનાર છે.
ઓલિમ્પિક રમતો દેશના ઉભરતા ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડે છે અને દેશમાં રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહન પૂરું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન વિવિધ રમતગમત પ્રવૃતિઓ અને સ્પોર્ટ્સ અવેરનેસ કેમ્પેઈન દ્વારા વધુને વધુ ખેલાડીઓ અને નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે કામગીરી કરવા જણાવાયું છે.
ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ઓલિમ્પિક દરમિયાન રાજ્યમાં વિવિધ રમતગમત પ્રવૃતિઓ અને સ્પોર્ટ્સ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે.
આવા જ એક અવેરનેસ કેમ્પેઈનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર આવેલી અમદાવાદ રેકેટ એકેડમીના સહયોગથી ટેનિસ અને બેડમિન્ટન રમતનું ડેમોસ્ટ્રેશન તેમજ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ડેમોસ્ટ્રેશન અને સ્પર્ધામાં ખેલાડીઓએ ઉસ્તાહપૂર્વક ભાગ લીધો હતો. લોકોએ રમતોના ડેમોસ્ટ્રેશનને રસપૂર્વક નિહાળ્યું હતું.
આ સ્પર્ધામાં અમદાવાદ મહાનગરપાલિકાના આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રી હાર્દિક ઠાકોર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડીસ્ટ્રીક્ટ કોચશ્રી અનિરૂધ્ધ દેસાઇ તેમજ બાસ્કેટબોલ કોચશ્રી નરેદ્ર દેસાઇએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને માર્ગદર્શન અને પ્રત્સાહન પુરૂ પાડ્યું હતું. અમદાવાદ રેકેટ એકેડમીના ડાયરેક્ટરશ્રી ક્રિનલ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.