લો બોલો!! NGOએ મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાથે આચરેલી છેતરપિંડી
કપાસિયા તેલ મહિલાઓને આપવાના બહાને એક મહિલા દીઠ ૧પ૦ લેખે કુલ છ લાખ રૂપિયા ઉઘરાવ્યા
વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને મહિલાઓને તેલ આપવાની લાલચ આપી
(એજન્સી) અમદાવાદ, શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જતા હોય છે, જેને પુરવાર કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરાઈવાડીની સોચ ફાઉન્ડેશન નામની સંસ્થાના ચેરમેને આઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આપવાની લાલચ આપીને ૧૬ લાખ રૂપિયા પડાવી લીધા છે,
જયારે ચાર હજાર મહિલાઓને કપાસિયા તેલ આપવાની જાહેરાત કરીને છ લાખ રૂપિયા હડપ કરી લીધા છે. એનજીઓના ચેરમેને કેટલાંક યુવક અને યુવતીઓને નોકરી પર રાખ્યાં હતા ત્યાર બાદ તેમના મારફતે ચીટિંગ આચર્યું હતું.
વિંઝોલ વિસ્તારમાં આવેલા વિનોબા ભાવેનગરમાં રહેતી રોહિણી મરાઠીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં રાહુલ પરમાર (રહે. તેજેન્દ્ર ડુપ્લેકસ, અમરાઈવાડી) વિરૂદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. રોહિણી પરિવાર સાથે રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલાં રોહિણીએ ટેલિગ્રામ નામના સોશિયલ મીડિયા પર સોચ ફાઉન્ડેશન નામની એક નોકરી માટેની જાહેરાત જોઈ હતી.
રોહિણીએ જાહેરાતમાં લખેલા નંબરના આધારે સોચ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. રોહિણીએ સ્વÂસ્તક ચાર રસ્તા પાસે આવેલી સોચ ફાઉન્ડેશનની ઓફિસમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તે ટીમ લીડર તરીકે નોકરી લાગી હતી. રોહિણીને રપ હજારનો પગાર નકકી કરીને ઓફર લેટર પણ આપી દીધો હતો. તા.ર૪ એપ્રિલના રોજ રોહિણી નોકરી પર લાગી હતી. ત્યાર બાદ સોચ ફાઉન્ડેશન તરફથી આઈડી કાર્ડ પણ અપાયું હતું.
સોચ ફાઉન્ડેશનનો માલિક રાહુલ પરમાર હતો, જે અમરાઈવાડી ખાતે રહે છે. રોહિણીએ અઢી મહિના સુધી સોચ ફાઉન્ડેશનમાં નોકરી કરી હતી. સોચ ફાઉન્ડેશન મહિલા અને બાળકોના લાભ માટે કામ કરતી સંસ્થા છે તેવું રાહુલે રોહિણીને જણાવ્યું હતું.
મહિલા અને બાળકોના લાભ માટે અલગ અલગ પ્રોજેકટ ઉપર સંસ્થા કામ કરે છે તેમ કહીને રાહુલ રોહિણીને વિશ્વાસ આપ્યો હતો. વર્ષ ર૦ર૦થી ઘણી બધી મહિલાઓ તેમજ બાળકોને લાભ થયો હોવાનું પણ રાહુલે રોહિણીને જણાવ્યું હતું. રોહિણીની ટીમના પ્રોજેકટ મેનેજર તરીકે રાહુલ સિન્હા તથા એકિઝકયુટિવ તરીકે અરવિંદ પટેલ, પાયલ પટેલ, જયા પટેલ કામ કરી રહ્યા હતા. રાહુલે રોહિણીને બે પ્રોજેકટ આપ્યા હતા, જેમાં એક પ્રોજેકટ હતો, વિદ્યાર્થીઓ માટે સુનેહરા ભવિષ્ય સ્કોલરશિપ અને બીજો પ્રોજેકટ હતો, કપાસિયા તેલ આપવાનો.
સુનેહરા પ્રોજેકટ અંતર્ગત આંગણવાડીથી ધો.૬ સુધીના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયા તથા ધો.૭ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓને ૧પ૦૦ રૂપિયા તેમજ ધો.૧૧ થી ૧ર સુધીના વિદ્યાર્થીઓને બે હજાર સુધીની સ્કોલરશીપ આપવાની હતી. રાહુલે ટીમ લીડર રોહિણીને ફોર્મ આપ્યા હતાં અને એક ફોર્મદીઠ વિદ્યાર્થીઓ પાસેથી ર૦૦ રૂપિયા ફી લેવાનું કહ્યું હતું.
વિદ્યાર્થીઓને સ્કોલરશિપ કેવી રીતે આપીશું તેવી વાત જયારે રોહિણીએ રાહુલને કરી ત્યારે તેણે પોતાની પાસે ફંડ હોવાનું જણાવ્યું હતું. રોહિણી અને તેની ટીમના માણસોએ આંગણવાડી તેમજ સ્કૂલમાં જઈને આઠ હજાર ફોર્મ ભર્યાં હતા, જેમાં ૧૬ લાખ રૂપિયાનું કલેકશન થયું હતું. તમામ રૂપિયા રોહિણીએ રાહુલ પાસે જમા કરાવ્યા હતા, જયારે કપાસિયા તેલના પ્રોજેકટમાં ચાર હજાર મહિલાઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,
જેમાં એક મહિલા દીઠ ૧પ૦ લેખે કુલ છ લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. રોહિણીએ રર લાખ રૂપિયા અઢી મહિનામાં ઉઘરાવીને રાહુલને આપ્યા હતા, પરંતુ તેણે કોઈ વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓને લાભ આપ્યો નહી, જેના કારણે અંતે ચીટિંગની ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નહીં નોંધતા ભોગ બનનારા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો.