પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ગ્રુપ ડિસ્કશન સેશનમાં અમદાવાદની વિદ્યાર્થિનીનું સિલેક્શન

ન્યુ એલ. ડી. આર. સ્કૂલ, સાઉથ બોપલની વિદ્યાર્થિની પલ પટેલે લીધો ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય સહિત રાજ્યના શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ :- અમદાવાદ-ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૃપાબહેન જહા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઈન્ટરેકટીવ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’નું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫’ આગામી સમયમાં યોજાનાર છે.
આ કાર્યક્રમના સ્ટુડિયો ગ્રુપ ડીસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અમદાવાદ-ગ્રામ્ય જિલ્લાની ન્યુ એલ. ડી. આર. સ્કૂલ, સાઉથ બોપલ શાળાની ધોરણ-૯ની વિદ્યાર્થીની પલ નીલેશભાઈ પટેલની પસંદગી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૫ દરમ્યાન કુલ સાત સેશનમાં દેશભરમાંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓ વિવિધ થીમ – મુદ્દાઓ પર સ્ટુડિયો ડિસ્કશનમાં ભાગ લેનાર છે.
અમદાવાદ-ગ્રામ્ય જિલ્લાની વિદ્યાર્થીની પલ નીલેશભાઈ પટેલે દિલ્હી ખાતે ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પહેલા જ ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લીધો હતો. ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો વિદ્યાર્થીની પરીક્ષા પે ચર્ચાના અંતિમ કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યનું નામ રોશન કરશે.
અમદાવાદ-ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૃપાબહેન જહાએ દીકરીની આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્યની શાળાની વિદ્યાર્થીનીની આ અનેરી સિદ્ધિ રાજ્ય અને શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ સિદ્ધિ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્ર સ્તરે પોતાની શાળાનું અને રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરશે.