અમદાવાદના વિદ્યાર્થીનો હોસ્ટેલ પરથી કૂદીને આપઘાત
મુંબઈ, આઈઆઈટી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાં અભ્યાસ કરતાં અમદાવાદનાં વિદ્યાર્થીએ હોસ્ટેલના ૮મા માળેથી પડતુ મુકી આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી છે. એક માહિતી મુજબ મુળ ૧૮ વર્ષીય અમદાવાદનાં એક વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો છે. ઘટનાને પગલે કોલેજ દ્વારા પોલિસને જાણ કરવામાં આવી હતી. અત્યારે પોલિસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બાબતે માહિતી આપતા પવઈ પોલિસે જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલ રવિવારે બપોરે ૧ વાગ્યામાં બની હતી. જેમાં આ વિદ્યાર્થી અમદાવાદનો હતો અને તેનું નામ દર્શન સોલંકી જાણવા મળ્યું છે. અને મહત્વની બાબત એ છે કે હજુ ૩ મહિના પહેલા જ આ વિદ્યાર્થીએ આઈઆઈટી બોમ્બેમાં બી.ટેકના અભ્યાસ માટે એડમીશન લીધુ હતું, આ ઉપરાંત અધિકારીઓએ જણાવતાં કહ્યું હતું કે, હોસ્ટેલના એક વિદ્યાર્થી આ ઘટનાનો સાક્ષી છે તેના આધારે તેનું નિવેદન લઈ આપઘાતનું કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે.
પોલિસના જણાવ્યા પ્રમાણે મૃતક દર્શન સોલંકી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ટેકના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને હજુ ગત શનિવારે તેની પહેલા સેમેસ્ટરની પરીક્ષા પુર્ણ થઈ હતી. આ સાથે તેની સાથે અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીઓનું કહેવુ છે કે તેને અભ્યાસનું પ્રેસર હોવાનું લાગતુ હતું. પરંતુ આ બાબતે અધિકારીઓએ વધુ કોઈ માહિતી આપવાની મનાઈ કરી હતી. પોલિસની તપાસ બાદ તેના આપઘાતનું સાચુ કારણ જાણવા મળશે. તેમજ વિદ્યાર્થીના આપઘાતના પગલે તેના માતા-પિતાને જાણ કરી દેવામાં આવી હતી.SS2.PG