અમદાવાદ જિલ્લા મથકે ૨૪ એપ્રિલે અને તાલુકા મથકે ૨૩ એપ્રિલે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

File
મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં અમદાવાદ જિલ્લામાં આગામી તારીખ ૨૪-૦૪-૨૦૨૫ના સવારના ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકમાં યોજાશે. તેમજ આગામી તારીખ ૨૩-૦૩-૨૦૨૫ના સવારના ૧૧ કલાકે દરેક તાલુકા મથકે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા સ્વાગતમાં જિલ્લા કક્ષાના કાર્યક્ષેત્રમાં આવતી હોઇ તેવી અરજીઓ, તાલુકા સ્વાગતમાં જે રજુઆતોનો નિકાલ ન થયો હોઇ અને અરજદાર જિલ્લા સ્વાગતમાં રજુ કરે તેવી અરજીઓનો સમાવેશ કરવાનો રહેશે. અરજદારના જે પ્રશ્નોનો નિકાલ તાલુકા સ્વાગતમાં આવી શકે તેમ હોય, તેવી રજુઆતો પ્રથમ તાલુકા સ્વાગતમાં રજુ કરવી અને તાલુકા સ્વાગતમાં જે રજુઆતો નિકાલ ન થાય તો પછી જિલ્લા સ્વાગતમાં રજુ કરવી. અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજુઆતો કરી શકશે નહીં.
ગ્રામ્ય અને તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ગ્રામ પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે નોટીસ બોર્ડ ઉપર બહોળી પ્રસિદ્ધિ કરાવવાની રહેશે. તેમજ આ અંગે સંબંધિત દરેક અધિકારીશ્રી અને કર્મચારીશ્રીને જાણ કરવાની રહેશે. અરજદારો આગામી તારીખ ૧૦-૦૪-૨૦૨૫ સુધીમાં જિલ્લા કલેક્ટર કચેરીને લેખિતમાં અરજી મોકલી શકે છે.
અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રશ્નો જિલ્લા કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીશ્રીઓ અરજદારોને સાંભળશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી/ ગ્રામ પંચાયત કચેરી ખાતે મામલતદારશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીશ્રીઓ અરજદારોને સાંભળશે. તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.