Western Times News

Gujarati News

અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં સ્વાઈન ફલૂના ૧૦પ૦ કેસ નોંધાયા

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ફરી એક વખત રોગચાળાએ માથુ ઉચકયું છે. સ્વાઈનફ્લુ અને ડેન્ગયુ જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. શહેરમાં ચાલુ વરસે સ્વાઈનફલુએ ૧૦ દર્દીનો ભોગ લીધો છે જયારે ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં જ ડેન્ગયુના ૪૦૦ કરતા વધુ કેસ નોંધાયા છે.

ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગયુના નોંધાયેલ કુલ કેસના ૬૦ ટકા કરતા વધુ કેસ છેલ્લા બે મહિનામાં જ કન્ફર્મ થયા છે. જયારે ચીકનગુનિયાના કુલ કેસ પણ બેવડી સદી પાર કરી ગયા છે જયારે સ્વાઈનફલુના કુલ કેસની સંખ્યા પણ એક હજાર નજીક થતા મ્યુનિ. અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

અમદાવાદ શહેરમાં સ્વાઈનફલુના રોગચાળાનો કહેર વધી રહયો છે, શહેરમાં છેલ્લા ૭ દિવસ દરમ્યાન સ્વાઈનફલુના નવા રપ કેસ કન્ફર્મ થયા છે. જયારે કુલ કેસની સંખ્યા ૧૦૮૩ થઈ છે. જે પૈકી ૧૦ દર્દીના કરૂણ મૃત્યુ થયા છે. સપ્ટેમ્બર મહીનામાં સ્વાઈનફલુએ ચાર દર્દીનો ભોગ લીધો છે, જયારે ઓગસ્ટ મહીનામાં ૦૬ દર્દીના મરણ થયા હતા.

ચોંકાવનારી બાબત એ છે કે ચાલુ વર્ષ દરમ્યાન સ્વાઈનફલુના ૧૦૮૩ કેસ કન્ફર્મ થયા છે તે પૈકી ૧૦પ૦ કેસ છેલ્લા બે મહીનામાં જ નોંધાયા છે. સ્વાઈનફલુના ૭પ ટકા કેસ પશ્ચિમ વિસ્તારમાંથી બહાર આવ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં એચ-૧ એન-૧ વાયરલના ૩૪૮, ઉ.પ.ઝોનમાં ૩૦૭ અને દ.પ.ઝોનમાં ૧પ૮ કેસ નોંધાયા છે

જયારે વોર્ડ દીઠ જાેવામાં આવે તો ત્રણ વોર્ડમાં સ્વાઈનફલુના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે. શહેરના નવરંગપુરા વોર્ડમાં સ્વાઈનફલુના ૧૧૩, થલતેજ વોર્ડમાં ૧૧પ તેમજ જાેધપુર વોર્ડમાં ૧૧ર કેસ નોંધાયા છે, જયારે બોડકદેવમાં ૮પ, પાલડીમાં ૮૬ તથા ગોતા વોર્ડમાં ૬ર કેસ કન્ફર્મ થયા છે.

ચોમાસામાં થયેલા ભારે વરસાદ બાદ સમયસર પાણીના નિકાલ અને સફાઈ ન થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેના કારણે ડેન્ગયુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસમાં સતત વધારો જાેવા મળી રહયો છે. શહેરમાં ૮ ઓકટોબર સુધી ડેન્ગયુના કુલ ૧પ૬૧ કેસ નોંધાયા છે જે પૈકી ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ર૦૯ કેસ નોંધાયા છે.

તેવી જ રીતે ચાલુ મહીનામાં ચીકનગુનીયાના ૮, સાદા મેલેરીયાના ર૭ અને ઝેરી મેલેરીયાના ૮ કેસ નોંધાયા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. ચાલુ વર્ષ દરમ્યાન કમળાના ૧૬૩૬ તથા ટાઈફોઈડના ૧૯૪૪ કેસ કન્ફર્મ થયા છે.

જયારે ઝાડા-ઉલ્ટીના પ૩૭૧ કેસ બહાર આવ્યા છે જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કમળાના પણ સૌથી વધુ કેસ ર૦રરમાં નોંધાયા છે. ર૦ર૦ની સાલમાં કમળાના ૬૬૪ તથા ર૦ર૧માં ૧૪૩૯ કેસ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.