ઉડતા પંજાબ બનવાની દિશામાં અમદાવાદ? !!- 2 વર્ષમાં 13 કરોડનું ડ્રગ્સ પકડાયું
છેલ્લા બે વર્ષમાં પકડાયેલા નશીલા પદાર્થોમાં ૫૫૬ આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી
(એજન્સી)અમદાવાદ, શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ પકડવા મામલે વિધાનસભાના પૂછવામાં આવેલા પ્રશ્નમાં મહત્વની વિગત સામે આવી છે. જે અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાંથી ૨ વર્ષમાં રૂ. ૧૩ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં ગૃહ વિભાગનો લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે.
નશાનો કારોબાર કરનારાને નાબૂદ કરવાની ગૃહ વિભાગની પોલ ખુલી છે. ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ પકડવા મામલે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ ગૃહ વિભાગે રજૂ કર્યો છે. જે અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાં નશાનો કારોબાર કરનારા ૫૫૬ આરોપી સુધી પોલીસ પહોંચી જ નથી.
છેલ્લા બે વર્ષમાં પકડાયેલા નશીલા પદાર્થોમાં ૫૫૬ આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે. છેલ્લા ૨ વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી કરોડો રૂપિયાના નશીલા પદાર્થો પકડાયા છે. જેમાં વિદેશી દારૂ, ચરસ, ગાંજો સહિત ડ્રગ્સ પણ પકડાયું છે. મેફેડ્રન, એમડી ડ્રગ્સ, મેથાએમફેટામેઈન ડ્રગ્સ મોટી માત્રામાં મળ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી બે વર્ષમાં રૂ. ૧૩ કરોડનું ડ્રગ્સ પકડાયું છે.
વર્ષ ૨૦૨૨માં અમદાવાદમાંથી દેશી અને વિદેશી દારૂનો રૂપિયા ૧૩ કરોડ ૧૩ લાખનો જથ્થો પકડાયો છે. વર્ષ ૨૦૨૩ માં દેશી અને વિદેશી દારૂનો ૧૬ કરોડથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પકડાયેલા ડ્રગ્સની વિગતવાર માહિતી જોવામાં આવે તો વર્ષ ૨૦૨૨માં અમદાવાદ શહેરમાં મેફેડ્રન ડ્રગ્સનો બે કિલો ૬૦૧ ગ્રામ ૬૭૦ મિલીનો જથ્થો પકડાયો છે.
જેની કિંમત ૨ કરોડ ૫૮ લાખ ૧૭ હજાર ૪૪૦ છે. પાંચ કિલો ૭૩૭ ગ્રામનો જથ્થો ઝડપાયો છે જેની કિંમત ૮ લાખ ૧૯ હજાર ૩૦૦, મેથાફેટામાઈનનો ૪.૦૨૦ ગ્રામનો જથ્થો જેની કીમત ૪૦ હજાર ૨૦૦, કેટામાઈન ૫૯૦ ગ્રામ જેની કિંમત ૨ કરોડ ૭૫ લાખ, એમડી ડ્રગ્સ ૧૫ ગ્રામ ૪૯૦ મિલી જેની કિંમત ૧ લાખ ૫૪ હજાર ૯૦૦ છે. અમદાવાદ ગ્રામ્યમાં મેથાફેટામાઈનનો જથ્થો ૧૬ ગ્રામ ૨૦૦ મિલી જેની કિંમત ૧ લાખ ૬૨ હજાર છે.