અમદાવાદનો ટ્રાફિક પોલીસ માટે માથાનો દુખાવોઃ 65 લાખનાં ખર્ચે ટ્રાફીકનો સર્વે કરાશે
અમદાવાદમાં ૩૮ લાખથી વધુ વાહનોઃ ટ્રાફીકનાં ભારણમાં થયેલો વધારો
(એજન્સી)અમદાવાદ, મેગાસીટીથી મેટ્રો સીટી બનવા તરફ પ્રયાણ કરી રહેલા અમદાવાદ શહેરમાં ૩૮ લાખથી વધુ વાહનોનાં કારણે ટ્રાફીકની સમસ્યા સતત વકરી રહી છે. જેના ઉકેલ માટે મ્યુનિ. દ્વારા સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ સીઆરઆરઆઈ પાસે ૬પ લાખનાં ખર્ચે રપ જંકશન ખાતે ટ્રાફીક સર્વે કરવામાં આવશે.
શહેરની વસ્તી ર૦૧૧ મુજબ ૬૯ લાખ હતી, તે ર૦ર૪માં અંદાજ મુજબ ૮પ લાખ ઉપર પહોચી છે. આરટીઓનાં આંકડા અનુસાર શહેરમાં અત્યારસુધી ૩૮,૮૧,૯૮૭ નાનામોટા વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. શહેરમાં નાનામોટા વિવિધ પ્રકારના વાહનોની સંખ્યા વધવાનાં કારણે રોડ સાંકડા પુરવાર થઈ રહયાં છે. અને દરેક જંકશન ખાતે ટ્રાફીકજામની સમસ્યા રોજીદી બની ગઈ છે.
શહેરમાં મુખ્ય રસ્તા પર થતા ટ્રાફીક તથા ગીચ વિસ્તારમાં પાર્કીગની જગ્યાના અભાવના કારણે થતા ટ્રાફીકની સમસ્યા તથા ટ્રાફીકનું ભારણ ઘટાડવા હેતુ તાજેતરમાં બ્રીજ પ્રોજેકટની રીવ્યુ મીટીગમાં થયેલ ચર્ચામાં જરૂરીયાત મુજબ તબકકાવાર જુદાજુદા હેવી ટ્રાફીક જંકશનો ઉપર ડીટેઈલ ટ્રાફીક સર્વે કરાવવા સીઆરઆરઆઈ પાસે આઈઆરસી ગાઈડલાઈન મુજબ જુદાજુદા જંકશન ના ટ્રાફીક સર્વે કરાવવાની કામગીરી કરાવવાનું નકકી કરવામાં આવ્યું છે.