ડરનાં જરૂરી હૈ, પણ આ… દ્વિચક્રી વાહનચાલકો તો મોતથી પણ ડરતા નથી

રાયખડ, ખમાસા, કોર્પોરેશન, આસ્ટોડિયાના ચાર રસ્તા પર તો મોટા વાહનોની ઐસી તૈસી કરી વાહનો કાઢે છે જાણે કે અકસ્માતની કોઈ ફિકર ન હોય
(પ્રતિનિધિ) અમદાવાદ, “ડરના જરૂરી હૈ” અમદાવાદનાં દ્વિ-ચક્રી વાહનચાલકો માટે આ વાત લાગુ પડવી જરૂરી છે. પરંતુ શહેરના અમુક વિસ્તારમાં તો બે પૈડાવાળા ચાલકો તો મોતથી પણ ડરતા ના હોય તેવું લાગી રહયું છે. શહેરના અત્યંત ભરચક એવા એલીસબ્રીજથી છેક આસ્ટોડિયા સુધીના રસ્તાઓ પર દ્વિ-ચક્રી વાહન ચાલકોને મોટા વાહનોનો કોઈ ખૌફ ન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
રાખયડ, ખમાસા, કોર્પોરેશન, આસ્ટોડિયાના માર્ગ પર તો દ્વિ-ચક્રી વાહનચાલકો તો ગમે ત્યાંથી પોતાના વાહનો નીકાળી લેવાની કળા જાણે કે જન્મજાત હસ્તગત કરીને આવ્યા હોય તેવુ જણાય છે. તો બીજી તરફ ચાર રસ્તા પર તો લાલ બસ કે બી.આર.ટી.એસ. બસને નીકળવાનો માર્ગ પણ આપતા નથી. બસ છેક વાહનની નજીક આવી જાય તો પણ તેને રસ્તો નહીં આપવાનો.
માત્ર દ્વિ-ચક્રી વાહનો નહી, રીક્ષાવાળ પણ પોતાનું વાહન પહેલા નીકાળી લેવાની લ્હાયમાં આવનાર ખતરાને નજર અંદાજ કરી દે છે. અમુક દ્વિ-ચક્રી વાહન ચાલકો તો અડધી સીટ પર વિચિત્ર રીતે બેસીને વાહન હંકારે છે. પોતે ઉભા ન રહે પરંતુ મોટા વાહનો તેમનું વાહન ઉભુ રાખે તેવી અપેક્ષા રાખતા હોય છે. પેલા ટી.આર.બી.ના જવાનો ખંતથી ટ્રાફિક હેન્ડલીંગ કરતા હોય તો તેની પાછળની બાજુથી વાહન નીકાળીને ઘૂસાડીને નીકાળી લે છે.
સાંજના સમયે તો ટ્રાફિકના કાયદાની ધજજીર્યાં ઉડાડી દે છે તો બી.આર.ટી.એસ. રૂટમાંથી વાહન નીકાળવાના પ્રયાસો પણ થાય છે. અહીંયા મોટાભાગના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવુ નથી અને પાછા વાતો ફોરેનનાં દેશોની શિસ્ત્રની કરવાની, દ્વિ-ચક્રી વાહન ચાલકો તો આ રસ્તા પર જાણે કે બગીચામાં ફરવા નીકળ્યા હોય તેમ વાહનો ચલાવે છે.
ચાર રસ્તા પર બધો ટ્રાફિક ભેગો થઈ જાય છે વળી વાહનો નીકાળવાની જગ્યા રહેતી નથી જો ક્રમબધ્ધ- સીગ્નલ લાઈટના નિયમોનું પાલન કરવામાં આવે તો ટ્રાફિકજામ થાય નહિ અને વાહનો સરળતાથી પસાર થઈ શકે છે.