અમદાવાદથી રાજસ્થાન ટ્રેન મારફતે જવું સરળ થશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં મેટ્રો ટ્રેન અને અમદાવાથી મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાના સમાચાર વચ્ચે હવે રાજસ્થાન તરફ જતા મુસાફરોને પણ વધુ સુવિધા મળે તેવો ર્નિણય આગામી નજીકના દિવસોમાં લેવામાં આવી શકે છે. આ સિવાય પણ કેટલીક વધુ ટ્રેનો દોડતી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
હાલ અમદાવાદથી જે ટ્રેન ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ડુંગરપુર સુધી જાય છે તે ઉદેપુર સુધી લંબાવવામાં આવી શકે છે. આ રૂટ પર ડીઝલની ટ્રેનો દોડે છે તેને ઈલેક્ટ્રિક કરવા અંગેની પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટ્રેન શરુ થવાથી સાબરકાંઠા અને અરવલ્લીની જનતાને વધુ ફાયદો થશે, કારણ કે આ ટ્રેન હિંમતનગર થઈને અમદાવાદ-ઉદેપુર-જયપુર વચ્ચે દોડતી થશે.
મળતી વિગતો પ્રમાણે અમદાવાદથી જે ટ્રેન ડુંગરપુર સુધી દોડતી હતી તે લાઈનનું બ્રોડગેજનું કામ ઉદેપુર સુધી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આમ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વધુ સુવિધા મળે તેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી શકે છે.
હવે આ ટ્રેનના સમયપત્રક પર કામ થઈ રહ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મહેમાન બનવાના છે અને તે દરમિયાન તેઓ ગુજરાતને વિવિધ યોજનાઓની ભેટ આપી શકે છે અને તેમાં પશ્ચિમ રેલવેના કેટલાક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.
આવામાં અમદાવાદથી ઉદેપુર જનારી ટ્રેનને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમ અંગે પીએમઓ કાર્યાલયને પત્ર લખવામાં આવ્યો હતો. એટલે શક્યતા છે કે ચાલુ મહિનાના અંતમાં ગુજરાત અને રાજસ્થાનની જનતાને વડાપ્રધાન મોટી ભેટ આપી શકે છે.