91 ટકા લક્ષ્ય સિદ્ધિ સાથે બાલિકાઓના શાળા પ્રવેશમાં અગ્રેસર રહ્યું અમદાવાદ
એક સુશિક્ષિત દીકરી, પરિવારના ઉજ્જવળ ભાવિની ખાતરી- શાળા પ્રવેશોત્સવ 2023: અમદાવાદ જિલ્લો
સમાજના ઉજાસનું સરનામું બનતી કસ્તુરબા ગાંધી વિદ્યાલય યોજના, જ્યાં ઘડાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય
શૈક્ષણિક વર્ષ 2022-23માં 687 બાલિકાઓને અમદાવાદ જિલ્લાની 8 કસ્તુરબા ગાંધી વિદ્યાલયોમાં અપાયો પ્રવેશ
એક શિક્ષિત દીકરી સમાજને તારે”. આ સૂત્રને સાર્થક કર્યું છે અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિએ. કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાન હેઠળ અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકાઓના આઠ ગામોમાં કાર્યરત કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અંતરિયાળ વિસ્તારની ગરીબ બાલિકાઓનું ભાવિ ઘડવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું છે કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ 2022-23 દરમિયાન 725 વિદ્યાર્થિનીઓના પ્રવેશના લક્ષ્યાંક સામે 687 બાલિકાઓને પ્રવેશ આપતા અમદાવાદ જિલ્લાએ 91 ટકા સફળતા મેળવી છે.
અમદાવાદ જિલ્લામાં બાવળાના બગોદરા અને રજોડા સાણંદના વસોદરા અને માધવનગર વિરમગામના સચાણા અને ભોજવા
ધોલેરાના ભાડિયાદ અને ધોળકાના ભેટાવાડા ગામે કસ્તુરબા ગાંધી વિદ્યાલયો કાર્યરત છે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સુરેન્દ્રકુમાર દામાના જણાવ્યા અનુસાર બાવળા તાલુકાની બગોદરા અને રજોડા બંને ગામોમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને સાણંદના માધવનગરમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બાલિકાઓના પ્રવેશનો લક્ષ્યાંક સંપૂર્ણ એટલે કે 100 ટકા સિદ્ધ કરી શકાયો છે. આ સિવાય અન્ય વિદ્યાલયોમાં પ્રવેશના લક્ષ્યાંક અને સિદ્ધી નીચે પ્રમાણે છે.
જરૂરિયાતમંદ બાલિકાઓ માટે શિક્ષણની સાથે ભોજન, પુસ્તકો, ગણવેશ સહિતની સુવિધા
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી દીધું હોય તેવી કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેમજ ભોજન, પુસ્તકો, ગણવેશ, રહેવા-જમવા અને અન્ય સગવડો અહીં નિઃશુલ્ક આપવામાં આવે છે.
2024માં આ યોજનાને પૂરાં થશે 20 વર્ષ
ઓગસ્ટ-2004માં કેન્દ્ર સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) યોજના શરૂ કરવામાં આવેલી, જેને 2024માં 20 વર્ષ પૂર્ણ થશે. આ યોજનાનો હેતુ અતિ છેવાડાના દુર્ગમ વિસ્તારની અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિ અને લઘુમતીની કન્યાઓ માટે ઉચ્ચ પ્રાથમિક સ્તરે નિવાસી શાળા વ્યવસ્થા ઊભી કરવાનો છે. કેજીબીવી યોજના સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્વતંત્ર યોજના તરીકે કાર્યરત છે.
ગુજરાતમાં કુલ 245 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો
સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો હાલતમાં ગુજરાતભરમાં 245 કે.જી.બી. વી. કાર્યરત છે, જે પૈકી 165 કે.જી.બી. વી. ભારત સરકારની સહાયથી અને 80 કે.જી.બી. વી. રાજય સરકારની સહાયથી કાર્યરત છે.