Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે વર્ષ 2022-23માં માલ લાદવામાં 50 મિલિયન ટનનો આંકડો વટાવ્યો

મંડળે માલ લાદવામાં પ્રાપ્ત કરી નવી ઉપલબ્ધિ -50 મિલિયન ટન ક્લબમાં પ્રવેશ કરનાર પ્રથમ નોન-કોલ સેન્ટ્રિક મંડળ-9000 કરોડ રૂપિયાથી વધારેનું સકળ મેળવી મંડળના ઇતિહાસમાં અત્યાર સુધીની ઉત્કૃષ્ટ કામગીરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ઇતિહાસમાં પ્રથમ વાર તારીખ 29 માર્ચ 2023ના રોજ માલ લાદવામાં 50 મિલિયન ટન (MT)ની ઉપલબ્ધિ મેળવી છે. આ ગત વર્ષની સરખામણીએ 31.35%ની ભારે રેકોર્ડ વૃદ્ધિ દર નોંધાવ્યો છે.

જે એકંદરે વૃદ્ધિ દરમાં ભારતીય રેલવેમાં ત્રીજા સ્થાને તેમ જ કુલ માલ લાદવાની બાબતમાં ભારતીય રેલવે પર 7મા સ્થાન પર છે. પશ્ચિમ રેલવેના કુલ માલ લાદવામાં ડિવિઝનનું યોગદાન લગભગ 47% છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈને આ ઉપલબ્ધિ માટે આખી ટીમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં આવી જ ઝડપ જાળવી રાખવાની પ્રેરણા આપી. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધકે કહ્યું કે આ આપણા મંડળની સૌથી મોટી ઉપલબ્ધિ છે કેમ કે વર્ષના પ્રારંભમાં અમને જ અશક્ય લાગતું હતું, પણ તમારા સૌના સહયોગથી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય રેલવે પર લગભગ 90 મિલિયન ટનની વૃદ્ધિમાંથી 36 મિલિયન ટન માત્ર 3 મંડળોમાં આવ્યું છે, જેમાં અમદાવાદ મંડળની કામગીરી મહત્ત્વપૂર્ણ છે જે આપણા સૌ માટે અત્યંત ગર્વની વાત છે. અન્ય એક બાબત પણ તમારે સૌએ જાણવી જરૂરી છે કે જે અન્ય મંડળ છે, જ્યાં કોલસા અને લોખંડનું લોડિંગ થાય છે, તે વઘઘટ થયા કરે છે, કોઇ વસ્તુ ઓછી હોય છે, તો કોઇ વધી જાય છે. જ્યારે આપણું જે પ્રોજેક્શન છે, તે 100 મિલિયન ટનથી વધારે છે. અત્યારે મંડળ પર કેટલીક કામગીરી થઇ રહી છે, તે થઇ ગયા પછી આપણા લોડિંગમાં પણ વૃદ્ધિ થશે. એમણે કહ્યું કે ભવિષ્યમાં પણ આ પ્રયત્નો ચાલુ રહેશે. અમદાવાદ મંડળના નાણાંકીય વર્ષ 2015-16માં 6348.94 કરોડ રૂપિયાનો પોતાનો જ રેકોર્ડ તોડીને અત્યાર સુધીની ઉત્કૃષ્ટ કામગીરી કરતાં 9000 કરોડ રૂપિયાથી વધારે સકળ રાજસ્વ મેળવ્યું છે. જેમાં યાત્રી રાજસ્વમાં 1302.95 કરોડ, OCH દ્વારા 186.82 કરોડ અને માલ પરિવહન રાજસ્વ દ્વારા 7514.11 કરોડ રૂપિયા એકત્રિત કરી નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે. જે મંડળના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે છે.

આ વર્ષે મંડળે ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં 02 દિવસ બાકી રહેતાં હતા ત્યારે ગત વર્ષના વાર્ષિક લોડિંગની સરખામણીએ 31.35%ના વૃદ્ધિ દરે (50.04 મેટ્રિક ટન)નો લાંબો કૂદકો માર્યો છે. આ માઇલ સ્ટોન પ્રાપ્ત કરતાં અમદાવાદ મંડળની લોડિંગ અત્યાર સુધીના પશ્ચિમ રેલવેમાં સૌથી વધારે વૃદ્ધિશીલ લોડિંગ છે. આ વૃદ્ધિમાં કોલસાનો 9.9 મિલિયન ટનનો વધારો, ઉર્વરકોનો 11.33 મિલિયન ટનનો વધારો, પેટ્રોલિયમમાં 1.0 મિલિયન ટન, કન્ટેનરમાં 18.0 મિલિયન ટન, ખાદ્યાન્નમાં 0.371 મિલિયન ટન અને મીઠામાં 6.01 મિલિયન ટન, તથા અન્યમાં 3.428નો વધારે સામેલ છે. અન્યમાં લોખંડ અને સ્ટીલ, સીમેન્ટ, ઓટોમોબાઇલ, ખાદ્યતેલ, બેન્ટોનાઇટ, બામ્બૂ પલ્પ વગેરે સામેલ છે.

અમદાવાદ મંડળ 50 એમટી ક્લબમાં સામેલ થનારું પ્રથમ બીનકોલસા બેલ્ટ મંડળ છે. અમદાવાદ મંડળમાં તેનું ટાર્ગેટ 49.26 મિલિયન ટન નાણાંકીય વર્ષ 2022-23નું 7 દિવસ બાકી રહ્યા ત્યારે મેળવી લીધું છે.

આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન, રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ કેક કટિંગ કરીને ખુશીની ઉજવણી કરી. આ દરમિયાન અપર મંડળ રેલવે પ્રબંધક શ્રી અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી દયાનંદ સાહૂ, તમામ શાખા અધિકારી, અન્ય અધિકારીઓ તેમ જ કર્મચારીઓ હાજર હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.