Western Times News

Gujarati News

મ્યુનિ. ટેકનીકલ સુપરવાઈઝર કૌભાંડના આરોપીની ૭ વર્ષથી બદલી થઈ નથી

નિયમ વિરૂધ્ધ એક જ જગ્યાએ મોટા માથાઓની રહેમનજર વિના રહેવુ અશક્ય: ચર્ચા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેકનીકલ સુપરવાઈઝર ભરતી કૌભાંડમાં રોજ નવા વિવાદ અને વળાંક બહાર આવી રહયા છે. આ કૌભાંડમાં કથિત આરોપી પુલકિત સથવારાએ માર્કસમાં છેડછાડ કરવા માટે લાભાર્થીઓ પાસેથી મોટી રકમ લીધી હતી તથા ૧ર મિત્રો સાથે એક ફાર્મ હાઉસ પણ ખરીદ કર્યું હતું તેવા અહેવાલ વહેતા થયા છે.

પુલકિત સથવારા હાલ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ તરફથી હજી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી તેને કોટમાં રજુ કરવામાં આવે તે સમયે જ સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનમાં પુલકિત સથવારા મામલે વધુ એક સત્ય હકીકત બહાર આવી છે. જેમાં મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓની રહેમનજર હેઠળ પુલકિત સથવારાની ૭-૮ વર્ષથી બદલી થઈ નથી.

મ્યુનિ. કોર્પોરેશનમાં ટેકનીકલ સુપરવાઈઝરની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની હકીકત બહાર આવ્યા બાદ મ્યુનિ. શાસકોએ અને સેન્ટ્રલ ઓફિસના એચઓડી તથા ડેપ્યુટી કમિશનર દ્વારા આ બાબતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને તેમની તપાસ દરમિયાન જે વ્યક્તિનું નામ ખુલ્યુ હતું તે પુલકિત સથવારા સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

પરંતુ અહીંયા એક બાબત નોંધવી જરૂરી છે કે પુલકિત સથવારા ર૦૧૭ના વર્ષથી સેન્ટ્રલ ઓફિસમાં એક જ હોદ્દા પર કામ કરી રહયા છે તેથી તેઓ કદાચ આ પ્રકારની ગેરરીતિઓથી વાકેફ હોઈ શકે છે પરંતુ તેના માટે તેમની ઉપર કોઈ ઉપરી અધિકારીની રહેમનજર હોય તો જ આ પ્રકારનું કૃત્ય સરળતાથી પાર પડી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.

જોકે પુલકિત સથવારાને ઉપરી અધિકારીઓનો સહકાર ન હોય તો તેઓ ૭ વર્ષથી એક જ જગ્યા પર કઈ રીતે ફરજ બજાવી રહયા હતા તે બાબત ચર્ચાનો વિષય બની છે. મ્યુનિ. કોર્પોરેશનના સામાન્ય નિયમ મુજબ કોઈપણ અધિકારીની બદલી ત્રણ વર્ષ કે ૧૦૦૦ દિવસ બાદ કરવી જરૂરી બને છે.

પરંતુ પુલકિત સથવારા ૭-૭ વર્ષથી એક જ હોદ્દા પર ચીપકી રહયા હતા તેના માટે મોટા માથાઓના આર્શિવાદ હોવા જરૂરી બન્યા હશે. તેવી જ રીતે સેન્ટ્રલ ઓફિસમાં જીગ્નેશ મોદી, મહાવીરભાઈ નામના કર્મચારી પણ પાંચ કરતાં વધુ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.

મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસના કૌભાંડના કથિત આરોપી પુલકિત સથવારાની ર૦ર૩માં ઈ-ગવર્નન્સ વિભાગમાં ફાળવણી કરવામાં આવી હતી પરંતુ તેમને ૧૦ દિવસમાં જ મુળ સ્થાને પરત લેવામાં આવ્યા હતા. આ સત્તા માત્ર સેન્ટ્રલ ઓફિસની જ છે તેથી તેમના પર કોના ચાર હાથ કે રહેમનજર છે તે બાબત તપાસનો વિષય બની છે. પુલકિત સથવારાની ભરતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે થઈ હતી

તેમ છતાં તેમને હેડ કલાર્ક સુધીનું પ્રમોશન મળ્યું હતું જે માટે એમ કહેવાય છે કે સેન્ટ્રલ ઓફિસે થોડા વર્ષો પહેલા કોમ્પ્યુટર ઓપરેટર કલેરીકલ વિભાગને મર્જ કર્યા હતાં તેથી તેમને હેડ કલાર્ક બનાવવામાં આવ્યા હતા. પરંતુ કલેરીકલ વિભાગમાં તેમના કરતા પણ અનેક સીનીયર કર્મચારીઓ પ્રમોશનની પ્રતિક્ષા કરી રહયા છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ આ પ્રકારના કૌભાંડમાં ઉચ્ચ કે સહ અધિકારીઓનો સાથ સહકાર ન હોય તો તે થઈ શકે નહી. પરંતુ આ બાબતે હવે પોલીસની તપાસનો વિષય બન્યો છે. જેમાં કોઈની સંડોવણી હશે બહાર આવી જશે તેવી ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.