Western Times News

Gujarati News

અમદાવાદી હેન્ડલૂમ આર્ટનો કાન્સ ફેસ્ટિવલમાં વટ પડશે

મુંબઈ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આ વીકમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં દુનિયાના સૌથી મોટા ફિલ્મ માર્કેટ માર્ચે ડુ ફિલ્મમાં અમદાવાદની અનોખી વિશેષતા આધારિત ફિલ્મ રિલીઝ થવાની છે.

કોલકાતામાં જન્મેલા અને અમદાવાદ એનઆઈડીમાં ભણેલા ઉપમન્યુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘હેરલૂમ’માં અમદાવાદની પ્રસિદ્ધ હાથશાળાની કલાને દર્શાવવામાં આવી છે. આધુનિક મશીન ટેકનોલોજીના કારણે અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલા હેન્ડલૂમ આર્ટનો એક સમયમાં દબદબો હતો.

અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. અમદાવાદની સદીયો પુરાણી ફેશન સેન્સને એનિમેશનની મદદથી આંતરરાષ્ટ્રીય ફલક પર દર્શાવવામાં આવશે. ૬૦ના દસકાના અમદાવાદને દર્શાવતી ‘હેરલૂમ’માં યુવા દંપતિની સ્ટોરી છે.

કિર્તિ અને સોનલ પોતાના ભૂતકાળની યાદો અને તેની સાથે સંકળાયેલી કહાનીઓની વાત કરતી વખતે પરિવારના ઈતિહાસ અંગે સજાગ થાય છે. પતિ કિર્તિએ હેન્ડલૂમ મ્યુઝિયમ બનાવવા જંગી ખર્ચ કરી નાખ્યો છે અને પત્ની સોનલનું માનવું છે કે, પરિવારના ભવિષ્ય માટે પાવરલૂમનો બિઝનેસ શરૂ કરવો જોઈએ.

અમદાવાદ શહેરની જીવનશૈલી, મિજાજ અને હેન્ડલૂમને એક સાથે રજૂ કરતી આ ફિલ્મ બનાવનારા ઉપમન્યુએ ૨૦૧૪માં અમદાવાદ એનઆઈડી ખાતે એનિમેશન ફિલ્મ ડિઝાઈનનો અભ્યાસ કર્યો હતો.

તેમણે જણાવ્યુ હતું કે, સમગ્ર ફિલ્મ બેકગ્રાઉન્ડને કાગળ પર કલર અને પેન્સિલની મદદથી દોરવામાં આવ્યું છે. કેરેક્ટર્સને એનિમેશનની મદદથી તૈયાર કરાયા છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી વખતે તેમણે પોળ-ગલીઓ, ભવ્ય મકાનો અને સ્થાપત્ય શૈલીના ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું. જેનો ઉપયોગ પણ ‘હેરલૂમ’માં કરાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.