અમદાવાદીઓ ટેક્સ ચૂકવવામાં અવ્વલ
અમદાવાદ, નાગરિકો ટેક્સ ચૂકવવામાં અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબરે આવે છે. સ્માર્ટ સિટીના બણગા તો જાેરશોરથી સરકાર દ્વારા ફૂંકવામાં આવે છે. પણ અમદાવાદનું તંત્ર લોકોની સુવિધા આપવામાં કાચુ પડ્યુ છે. કારણ કે, રોજની ૬૦ ટકાથી વધુ ફરિયાદો માત્ર રોડ પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધા મેળવવા નોંધાય છે. અમદાવાદ શહેર માથાદીઠ ટેક્સ ચૂકવવામાં દેશમાં છઠ્ઠા નંબરે છે.
છતાં અહીંના લોકોને પાયાની સુવિધા મેળવવામાં વલખા મારવા પડી રહ્યા છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં શહેરના લોકોએ ૧૨૨૬.૩૬ કરોડ રૂપિયાનો એએમસીને ટેક્સ ચૂકવ્યો છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૨૮૯.૪૮ કરોડનો ટેક્સ ચૂકવાયો છે. તેમ છતાં ચાલુ ચોમાસામાં એએમસીના ચોપડે જે ૨૮ ભુવા નોંધાયા છે, તેમાં સૌથી વધુ ૬ ભુવા પશ્ચિમ ઝોનમાં જ પડ્યા છે.
અમદાવાદમાં ટેક્સ સારો મળતા તેની સામે સુવિધાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થવું જાેઈએ. પરંતુ એએમસી હજી સુધી પાયાની સુવિધા આપી શકી નથી. શહેરમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાને લઇ રોજની ૨૪૦૦ થી ૨૫૦૦ ફરિયાદો થઇ રહી છે.
રોજે રોજ અધધ સંખ્યામાં સોશિયલ મીડિયા સહિત એએમસીના ટોલ ફ્રી નંબર અને રૂબરૂમાં એએમસી કચેરીએ જઇ લોકો ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદ લોકો જ્યારે ઓનલાઇન નોંધાવે છે, ત્યારે ઘણા કિસ્સાઓમાં ફરિયાદનું નિરાકરણ લાવ્યા વિના જ મનપાના અધિકારીઓ ફરિયાદ ક્લોઝ કરી દે છે.
૧ જૂનથી લઇ ૨૨ જુલાઈ સુધીમાં મનપામાં લોકોએ પાણી, ગટર, રોડ, સ્ટ્રીટલાઈટ, આઈસીડીએસ જેવી વિવિધ સમસ્યાઓ માટે કુલ ૧૨૦૦૦૦ કરતા વધુ ફરિયાદો કરી છે. લોકો દ્વારા કરવામાં આવેલો ફરિયાદો પૈકી સૌથી વધુ ૬૦ ટકા ફરિયાદો એટલે કે ૭૩૦૦૦ ફરિયાદો માત્ર ઈજનેર વિભાગની એટલે કે રોડ, ગટર અને પાણીની ફરિયાદો નોંધાઈ છે.
જૂન જુલાઈ મહિનામાં નોંધાયેલી ફરિયાદોમાંથી મનપાએ ૧૮ હજાર જેટલી ફરિયાદોનો નિકાલ કર્યો નથી. આમ જે સેવા એએમસીની પ્રાથમિક સેવા છે તે પણ લોકો સુધી પહોંચી નથી. આવી જ પ્રાથમિક સમસ્યા સામે લાંભાના જ્યોતિનગરમાં રહેતા લોકો પણ ઝઝૂમી રહ્યા છે. અહીંના લોકોની ફરિયાદ છે કે તેઓ એએમસીમાં ટેક્સ ભરતા હોવા છતાં તેમના વિસ્તારમાં રોડ બન્યો નથી. આ સાથે અન્ય પણ ઘણી સમસ્યા છે. પણ એએમસી અધિકારી હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ, લોકોની સમસ્યાની દરકાર લેવામાં કોઈને રસ નથી.SS1MS