અમદાવાદનો બોગસ ડૉક્ટર ત્રણ દવાખાના બંધ કરીને નાસી ગયો
અમદાવાદ, ભરણપોષણના કેસના કારણે નકલી ડૉક્ટરનો પર્દાફાશ થયો છે. એક નહીં ત્રણ-ત્રણ દવાખાના ચલાવતો આ ડૉક્ટર હાલ નાસતો ફરી રહ્યો છે. વર્ષોથી દવાખાના ચલાવતો આ ડૉક્ટર અત્યાર સુધીમાં કેટલાય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ચૂક્યો હશે.
જાે ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન તેનો ભાંડાફોડ ના થયો હોત તો હજી પણ આ કામ ચાલતું જ રહ્યું હોત. ખાડિયા પોલીસે સોમવારે ૩૯ વર્ષીય પલકેશ ગજ્જર સામે ફરિયાદ નોંધી છે. શહેરના ઈસનપુર, ઘોડાસર અને રાયપુર વિસ્તારમાં પલકેશ ગજ્જરના દવાખાના હતા.
પોલીસે હાલ તો તેની સામે આઈપીસીની કલમ ૩૩૬ (અન્ય લોકોના જીવ જાેખમમાં મૂકવા) સહિત ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ (રજિસ્ટર ના થયેલા હોય તેવા લોકોની મેડિકલ પ્રેક્ટિસ પર રોક લગાવવી)ના સેક્શન ૩૦ હેઠળ ફરિયાદ નોંધી છે.
કેસની વિગતે વાત કરીએ તો, પલકેશની પત્ની દીપાલી ઠક્કરે જાન્યુઆરી ૨૦૨૦માં ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી હતી. ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, દંપતીના પાંચ વર્ષના દીકરાના ભરણપોષણ પેટે કલ્પેશ ૫,૦૦૦ રૂપિયા આપશે. ત્યારે દીપાલીએ આ રકમ વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવાની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી.
૧૭ માર્ચ ૨૦૨૩ના રોજ થયેલી સુનાવણી વખતે દીપાલીએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પલકેશ ગજ્જર ડૉક્ટર છે અને તેમના દીકરાના ઉછેર માટે ૫,૦૦૦ રૂપિયા ખૂબ ઓછી રકમ છે. સાથે જ પલકેશ નિયમિતપણે ભરણપોષણનો ખર્ચ ના ચૂકવતો હોવાનું પણ કહ્યું હતું.
કેસમાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે દવાખાના ચલાવતો પલકેશ ડૉક્ટર ના હોવાનો ફોડ પડ્યો. પલકેશે પોતાના વકીલ મારફતે કોર્ટમાં જણાવ્યું કે, તેની પાસે મેડિકલની કોઈ ડિગ્રી નથી.