અમદાવાદની આગવી ઓળખ કાંકરીયા કાર્નિવલ રપ ડીસેમ્બરથી શરૂ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાે. દ્વારા ઐતિહાસિક કાંકરિયા તળાવનું નવનિર્માણ કર્યા બાદ તેના લોકાર્પણ સમયે ડિસેમ્બર ૨૦૦૮માં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે તાત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાંકરિયા પરિસરમાં કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે દર વર્ષે કાર્નિવલ આયોજન માટે જે જાહેરાત કરી હતી તે પરંપરા હજીપણ જળવાઈ રહી છે. આગામી ૨૫ ડિસેમ્બરે કાંકરિયા પરિસરમાં કાર્નિવલનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩માં પ્રથમ દિવસે ‘વસુધૈવ કુટુમ્બકમ – એક ધરતી – એક પરિવાર – એક ભવિષ્ય’ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. જેમાં, યુનેસ્કો દ્વારા સન્માનીત ગુજરાતના હેરીટેજ ગરબા, રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા, આસામના બીહુ, મહારાષ્ટ્રની લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ ફોર્મ રજુ કરવામાં આવશે.
ઉપરાંત કાંકરિયા કાર્નિવલ દરમ્યાન નગરજનોના મનોરંજન માટે વિવિધ દિવસો દરમ્યાન કિર્તીદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણ દેવ યાદવ, મિરાંદે શાહ, બંકિમ પાઠક, શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા સુખદેવ ધામેલીયા, રવિનેદ્ર જોની જેવા વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો, હિન્દી – ગુજરાતી પ્લેબેક સંગીત, સુફી ગઝલ, લોકગીત – સંગીત, બોલીવુડ ગીતો, હાસ્ય દરબાર સહિતનો વૈવિદ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
નગરજનો કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩ દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીયમ, એડવેન્ચર ટ્રી વોક, ફ્લોટીંગ રેસ્ટોરંટ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે. કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩ના સમાપન દિવસે ‘વાયબ્રન્ટ કલર્સ ઓફ ઈન્ડિયા’ થીમ આધારીત કાર્યક્રમ હેઠળ ભારતના જુદા જુદા રાજ્યોના વિવિધ ડાન્સ ફોર્મ મારફતે વિવિધતામાં એકતા દર્શન કરાવવામાં આવશે.
એવું મેયર પ્રતિભાબેન જૈન, ડે. મેયર જતીન પટેલ, સ્ટે. કમિટી ચેરમેન, દેવાંગ દાણી, નેતા મ્યુનિ. શાસક પક્ષ, ગૌરાંગ પ્રજાપતિ અને દંડક મ્યુનિ. શાસક પક્ષ શિતલબેન ડાગા એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.