Western Times News

Gujarati News

અમદાવાદમાં કોલેરાએ ૧૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો

ર૦૧૩માં ૧૬૮ કેસ સામે ર૦ર૪ના ૭ મહિનામાં ૧૭૧ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો વગેરેના કેસ સતત વધી રહયા છે પરંતુ ચિંતાની બાબત એ છે કે અત્યંત જીવલેણ માનવામાં આવતા તેમજ રાજય સરકાર પણ જેની પર સતત ધ્યાન આપે છે તેવા કોલેરાના કેસમાં ચાલુ વર્ષે અસામાન્ય વધારો થયો છે

તેમજ ર૦૧૬ બાદ તેમજ પ્રથમ વખત કોલેરાના કેસનો આંકડો ૧૬૦ને પાર કરી ગયો છે. ર૦ર૪ના પ્રથમ છ મહિનામાં જ કોલેરાના ૧૭૩ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે જુલાઈ મહિનાના અંત સુધી કોલેરાના કુલ ૧૭૧ કેસ કન્ફર્મ થયા છે. ર૦૦૭થી જોવામાં આવે તો ર૦ર૪માં કોલેરાના કેસની સંખ્યા સૌથી વધારે જોવા મળી છે આ અગાઉ ર૦૧૦માં કોલેરાના ૧૬પ અને ર૦૧રમાં ૧ર૬ અને ર૦૧૩માં ૧૬૮ કેસ નોંધાયા હતાં.

જયારે ચાલુ વર્ષે જુલાઈ મહિનાના અંત સુધી ૧૭૧ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. કોલેરાના સૌથી વધુ કેસ પૂર્વ વિસ્તારમાંથી બહાર આવ્યા છે ખાસ કરીને લાંભા, વટવા, રામોલ, હાથીજણ, ગોમતીપુર વગેરે વિસ્તાર કોલેરાના એપી સેન્ટર માનવામાં આવે છે. તેમાં પણ વટવા અને લાંભામાં કોલેરાના સૌથી વધુ કેસ કન્ફર્મ થાય છે.

જેના માટે કોર્પોરેશન તરફથી સપ્લાય કરવામાં આવતા દુષિત પાણીને જવાબદાર માનવામાં આવે છે. ડબલ્યુએચઓના અહેવાલ મુજબ ર૦રરમાં ૪૪ દેશમાંથી કોલેરાના ૪૭ર૬પ૭ કેસ નોંધાયા હતા અને ર૯૪૯ મૃત્યુ થયા હતા. નિષ્ણાંતોના અભ્યાસ મુજબ દર વર્ષે કોલેરાના ૧.૩ થી ૪.૦ મિલિયન કેસ નોંધાય છે અને વિશ્વમાં ર૧ હજારથી ૧ એક ૪૩ હજાર લોકોના મૃત્યુ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલ કોલેરાના કુલ કેસોમાંથી જેમા વર્ષ-૨૦૨૧માં પૂર્વ ઝોનમાંથી ૭.૮૧% કેસો અને દક્ષિણ ઝોનમાં ૮૯.૦૬% કેસો તેમજ પશ્ચીમ ઝોનમાં ૩.૧૩ % કેસો નોંધાયેલ છે. જેથી વર્ષ-૨૦૨૧ના કુલ કેસોમાંથી ૧૦૦ % કેસો આ ત્રણ ઝોનનાં થાય છે. જ્યારે વર્ષ-૨૦૨૨માં પૂર્વ ઝોનમાંથી ૪૧.૧૮૪ કેસો અને દક્ષિણ ઝોનમાં ૫૦% કેસો તેમજ ઉતર ઝોનમાં ૮.૮૨ % કેસો નોંધાયેલ છે, જેથી વર્ષ-૨૦૨૨ના કુલ કેસોમાંથી ૧૦૦ % કેસો આ ત્રણ ઝોનનાં થાય છે.

તો આ ત્રણ ઝોન પર વધારે ધ્યાન રાખવામાં આવે તો આવતા સમયમાં કોલેરાના કેસોમાં ઘટાડો કરી શકાય. વધારામાં પૂર્વ ઝોનમાં અમદાવાદના કુલ કેસોના ૨૨.૮૬ % કેસો વસ્ત્રાલ વોર્ડમાં, ૫.૭૧% કેસો અમરાઇવાડી વોર્ડમાં, ૫.૭૧૪ કેસો રામોલ-હાથીજણ વોર્ડમાં નોંધાયેલ છે અને દક્ષિણ ઝોનમાં અમદાવાદના કુલ કેસોનાં ૧૭,૧૪ % કેસો લાંભા વોર્ડમાં અને ૧૧.૪૩% કેસો વટવા વોર્ડમાં,

૮.૫૭% કેસો બહેરામપુરા વોર્ડમા, ૫.૭૧% કેસો મણીનગર વોર્ડમાં નોંધાયેલ છે અને ઉત્તર ઝોનમાં ૨.૮૯ % કેસો બાપુનગર વોર્ડમાં અને ૨.૮૬ % કેસો કુબેરનગર વોર્ડમા ૨.૮૯% કેસો નરોડા વોર્ડમાં નોંધાયેલ છે. ર૦ર૩માં કોલેરાના ૧૦૦ટકા કેસમાંથી ૯૭ટકા કેસ માત્ર બે ઝોનમાં જ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.