4 સાંસદ, 5 ધારાસભ્યો અને 4 કોર્પોરેટરો તેમ છતાં લાંભા બેહાલ
પ્રદુષિત પાણી, ડ્રેનેજ બેકિંગ, તૂટેલા રોડ લાંભાની આગવી ઓળખ બન્યા છે.
( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદમાં લાંભા વોર્ડનો સમાવેશ લગભગ દોઢ દાયકા પહેલા કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત માંથી મહાનગરપાલિકા માં સમાવેશ થયા બાદ પણ લાંભા વોર્ડમાં વિકાસના નામે શૂન્ય જ છે.
લાંભાના રહીશોનું દુ:ભાગ્ય એ છે કે આ વોર્ડમાં ચાર સાંસદ, પાંચ ધારાસભ્ય અને ચાર કોર્પોરેટર હોવા છતાં અહીંના નાગરિકો હજી પણ શુદ્ધ પાણી, ડ્રેનેજ વ્યવસ્થા, પાકા અને સારા રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ પ્રવેશદ્વાર ને આઇકોનીક બનાવવામાં આવી રહયા છે. પરંતુ તેમાંથી લાંભા વોર્ડની બાદબાકી કરવામાં આવી છે. શહેરના છેવાડે આવેલા લાંભા વોર્ડ ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ સૌથી મોટો વોર્ડ છે. તેમ છતાં અત્યંત નાના ક્ષેત્રફળ ધરાવતા વોર્ડ જેટલું જ કેપિટલ બજેટ લાંભા માટે ફાળવવામાં આવે છે. દર વર્ષે બજેટમાં એકાદ બે મોટી જાહેરાત આ વોર્ડ માટે થાય છે પરંતુ કામ થતા નથી અને જે કામ થાય છે તે સંપૂર્ણપણે બિલ્ડરલક્ષી હોય છે.
અહીંના મતદારોના નસીબમાં પ્રદુષિત અને કેમિકલયુક્ત પાણી, કાચા રોડ, બિસ્માર સ્મશાન જેવી સમસ્યા કાયમી ધોરણે લખાઈ ગઈ છે.લાંભા વોર્ડની સૌથી મોટી સમસ્યા ગેરકાયદેસર બાંધકામ અને નિષ્ક્રિય ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આ ઉપરાંત અહીં આવેલા ટેક્સટાઈલ યુનિટોમાંથી છોડવામાં આવતા ગંદા પાણી અને ગેસ ગળતરથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.
લાંભા વોર્ડમાં હમણાં જ પૂજા ફાર્મ – ભમરીયા જે રોડ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યો જેના કારણે નાગરિકોને ભારે હાલાકી થઈ રહી છે. તેમજ ટ્રાફિકની સમસ્યા એનાથી સુધારવાના બદલે બગડી છે બીજું ઇન્દીરાનગરમાં ગટરની સમસ્યા ગંભીર બની છે. ગટરની સમસ્યા મંડળીઓના યોગ્ય કામ નહિ કરવાના કારણે અને અધિકારીઓની મિલીભગતના કારણે વકરી હોવાના આક્ષેપ પણ થઈ રહયા છે.
લાંભા વોર્ડમાં એસ્ટેટ ખાતું પણ બેજવાબદાર છે વોર્ડમાં ઇન્ડસ્ટ્રીયલ ભાગ નારોલ સૈજપુર પીપળજ માં આવેલો છે ઘણી ફેક્ટરીઓ જીપીસીબીના નિયમોના વિરુદ્ધમાં ચાલે છે.
પણ જીપીસીપી (GPCB) અને કોર્પોરેશનના (AMC) અને એસ્ટેટના અધિકારીઓની મિલીભગતના કારણે અને આ ફેક્ટરીઓ વાળા ના ઉપર સંપર્કના કારણે કોઈ કંઈ કરી શકતું નથી અને બેરોકટોક આ લોકો એમનો પ્રોસેસ હાઉસ ચલાવે છે ઘણા પ્રોસેસ હાઉસ સરકારી જગ્યામાં બનેલા છે કેટલાય તળાવમાં બનેલા છે
અહીં બોરમાં પણ કેમિકલ નું પાણી આવે છે. કેટલાક પ્રોસેસ હાઉસના માલિકોબોર કરી અને કેમિકલનું પાણી ભૂગર્ભમાં ઉતારે છે જેના કારણે બોરમાં પણ કેમિકલ નું પાણી સૈજપુર પીપળજ ના વિસ્તારમાં આવવાનું ચાલુ થઈ ગયું છે જેના કારણે બોર બંધ કરવા પડ્યા છે કાઉન્સિલરો આ કેમિકલના પાણીની ફરિયાદ વારંવાર કરતા હોય છે.
કાઉન્સિલર મિટિંગમાં પણ એની ફરિયાદો થતી હોય પણ અધિકારીઓના ત્યાં જઈ ચેક કરી અને ફરીથી એની એ જ સ્થિતિ ચાલુ રહે છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને સારા વિસ્તારમાં પણ જે કોલસીના રજકણો ધાબા પર હોય છે લોકોને સવારે ધાબા પર ચાલે ત્યારે પગના પગલાં પડે છે તેમજ ધાબુ આખું કાળું થઈ ગયું હોય છે વારંવાર પબ્લિકની અને કાઉન્સિલર ની ફરિયાદ છતાંય પરિસ્થિતિ યથાવત છે. વોર્ડનું ચૂંટણીલક્ષી સીમાંકન કરવામાં આવ્યું છે તેથી સાંસદો તેમજ ધારાસભ્યનો એક એક ટુકડો લાગતો હોઇ તેઓ પણ પૂરતું ધ્યાન આપતા નથી.
લાંભા વોર્ડમાં ચાર સાંસદ, પાંચ ધારાસભ્યો જેમાં મણીનગર વિધાનસભાના જે 50 બુથ છે તેમાં ધારાસભ્ય તરીકે અમુલભાઈ ભટ્ટ અને સાંસદ તરીકે અમદાવાદ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા છે. જ્યારે વટવા વિધાનસભાના પાંચ બુથ છે તેમાં ધારાસભ્ય તરીકે બાબુસિંહ જાદવ અને સાંસદ તરીકે એચ એસ પટેલ તેમજ ખેડાના જે દસ્કોઈ વિધાનસભાના 23 બુથ છે તેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય બાબુભાઈ જે પટેલ છે.
દાણીલીમડાના જે સાત બુથ છે તેમાં ધારાસભ્ય શૈલેશભાઈ પરમાર અને લોકસભા અમદાવાદ પશ્ચિમ દિનેશભાઈ મકવાણા, વેજલપુર વિધાનસભાના ગેસપુર ગામના ત્રણ બુથ જેમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને સાંસદ અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી છે. આમ કુલ ચાર સાંસદ પાંચ ધારાસભ્યો અને ત્રણ કાઉન્સિલરો ભાજપના અને એક કાઉન્સિલર અપક્ષ ચૂંટાઈ આવેલ છે.